રાજ - કારણ:પાટીલના આગમન પહેલા ભાજપ પ્રમુખ ભીંસમાં ભાજપનો એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ, વિવાદો સમવાને બદલે વધુ વકર્યા વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય રીતે ભાજપના અનેક વિવાદોમાં સપડાઈ રહ્યું છે. એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આગામી તા. 3જીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાવનગર આવી રહ્યા છે તે પૂર્વે ભાવનગર શહેર અને જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદો અને વાણી વર્તણૂકને કારણે વિવાદો વકર્યા છે, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ કારડીયા રાજપૂત સમાજ સામે કરેલી ટિપ્પણીનો આક્રોશ શાંત પડ્યો નથી ત્યાં ભાજપની પૂર્વ મહિલા પ્રમુખે મુકેશ લંગાળીયા પર ત્રાસના આરોપ મુકી આત્મહત્યાની ચિમકી આપી છે. મુકેશભાઈએ સમાજની માફી માગી પરંતુ કારડીયા રાજપૂત સમાજ મુકેશ લંગાળીયાના રાજીનામાનો જ આગ્રહ રાખી વિરોધદર્શી કાર્યક્રમો આપી રહ્યા છે. જેથી હાલમાં ભાજપ ભાજપથી જ ઘોરાયું છે. ગીતાબેનના આક્ષેપો વાહિયાત , પુરાવો રજૂ કરશે તો જાહેર જીવન છોડીશ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લંગાળિયા દ્વારા જણાવાયું હતું કે, ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ ગીતાબેન કોતર દ્વારા લગાવાયેલા આક્ષેપો તદન પાયાવિહોણા છે. મેં હંમેશા ગીતાબેનને નાના બેન તરીકે જ રાખ્યા છે. રાજીનામુ મહિલા મોર્ચાના પ્રમુખપદેથી તેઓએ સામે ચાલીને આપ્યું હતું. મેં માગ્યું ન હતું, એ સમયે પણ મેં પક્ષમાં કામ કરવા કહ્યું હતું. આજે છછ મહિના વીત્યા પછી જ્યારે ચૂંટણી આવી રહી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભાવનગર આવી રહ્યા છે ત્યારે ગીતાબેનની આ વાતો ફક્ત રાજકીય છે. ગીતાબેન વારેવારે કહે છે કે હું ધડાકો કરીશ તેવી કોઇ વાત એમની પાસે નથી. કે જો કોઇ પુરાવો રજૂ કરે તો હું જાહેર જીવન છોડી દઇશ.