રાજ્યમાં આવી રહેલી ચૂંટણી અગાઉ ચાલી રહેલા આંદોલનને નિપટાવી દેવા વડાપ્રધાન મોદીએ સૂચના આપતા આંદોલન સમેટવા તખ્તો ગોઠવાયો છે.

અમદાવાદ એરપોર્ટ પાસે ગુજસેલમાં લગભગ બે કલાક સુધી પીએમ મોદીએ અધિકારીઓ અને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કે. કેલાસનાથન પણ હતા આ ચર્ચા બાદ સરકારે રાજ્યમાં થઈ રહેલાં આંદોલનો સમેટવા માટે પાંચ મંત્રીની કમિટી રચી રાજ્યમાંથી આંદોલનોનો ઝડપી ઉકેલ લાવવા માટે સ્પષ્ટ સૂચના આપી છે.

સરકારને આગામી ચૂંટણીઓ દરમ્યાન
આંદોલનોથી કોઈ અસર ન થાય તે વાતનું ધ્યાન રાખી વડાપ્રધાને આ પાંચ નેતાઓ ને બને એટલા ઝડપથી આંદોલનોનો ઉકેલ લાવવા જણાવ્યું છે.

રાજ્યના કર્મચારીઓની પડતર માગોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પાંચ મંત્રીની કમિટી બનાવી છે આ કમિટીમાં મંત્રી જિતુ વાઘાણી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા બ્રિજેશ મિર્ઝાનો સમાવેશ કરાયો છે. જેઓ સંગઠનો સાથે ચર્ચા કરીને તમામ આંદોલનોને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરશે.

નોંધનીય છેકે કેટલાક કર્મચારી સંગઠનોએ વિધાનસભામાં ભાજપવિરોધી મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે કર્મચારીઓમાં ફેલાયેલી એન્ટી ઇન્કમબન્સીને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીની સરકારમાં સંગઠનો અને સરકારી કર્મચારીઓના વિરોધ કે આંદોલન બાબતે એક પ્લેટફોર્મ કર્મચારીઓને મળતું હતું, પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આવું કોઈપણ પ્રકારનું પ્લેટફોર્મ નહી હોવાથી  સરકારે તાત્કાલિક ધોરણે એક કમિટીની રચના કરીને કર્મચારીઓ અને આંદોલનકારીઓ ને સાંભળવા  માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જે રાજ્યના સરકારી કર્મચારીઓ કે સંગઠનોના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે.