બોટાદ લઠ્ઠાકાંડ બાદ ગુજરાત બહારના તમામ હેતા પોલીસ અધિકારીઓ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કઠોદરા ગામે દેશીદારૂની ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા કીમ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પી.જે.પંડ્યા (PSI પંડ્યા), હેડકોન્સ્ટેબલ અનિલ વસંતભાઈ અને હેડ કોન્સ્ટેબલ નિલેશકુમાર રામુભાઈને ફરજ મોકૂફ કરાયા છે.
પ્રોહીબીશનની પ્રવ્રુતિને નાબુદ કરવામા નિષ્ફળ રહેતા IG દ્વારા નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર કઠોદરા ગામમાં કીમ નદીના કાંઠે અવાવરૂ સ્થળે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાની બાતમીને આધારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેને પગલે ઘટના સ્થળેથી દારૂ ગાળવા માટેના કેરબા, લાકડા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
જો કે, ગામથી બે કિલોમીટર છેવાડે એકદમ અંતરિયાળ વિસ્તારમાં ધમધમતા આ દેશી દારૂના અડ્ડા પર પોલીસ પહોંચે તે પહેલા જ બુટલેગર નાસી છૂટવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. કાદવ - કિચ્ચડ વચ્ચેથી પગપાળા ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ દ્વારા હાલ આ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લેવાની સાથે તાત્કાલિક અસરથી પીએસઆઈ પ્રકાશ પંડ્યા સહિત કોન્સ્ટેબલ અનિલ વસંતરાવ અને નિલેશ રામુભાઈને સસ્પેન્ડ કરવાનો આદેશ ફટકારવામાં આવ્યો છે.
આ સિવાય દેશી દારૂની ભઠ્ઠી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ રાજ્યના બોટાદ વિસ્તારમાં કેમિકલયુક્ત દેશી દારૂ પીવાને કારણે 57 જેટલા નાગરિકોના મોત નિપજ્યા છે અને 70 જેટલા હજી પણ હોસ્પિટલમાં સારવારગ્રસ્ત છે ત્યારે સમગ્ર રાજ્યમાં દેશી - વિદેશી દારૂના અડ્ડાઓ વિરૂદ્ધ પોલીસ દ્વારા મોટા પાયે અભિયાન હાથ ધરવામાં આવ્યુંછે. જો કે, આ દરમ્યાન સુરત જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવતાં રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન આકરા પાણીએ નજરે પડ્યા હતા અને તાત્કાલિક અસરથી ત્રણ - ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેતાં પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.