અમદાવાદ
નવનીત પ્રકાશન સાથે સંકળાયેલા ગાલા પ્રિન્ટ સીટીને તમીલનાડુ સરકારમાં સ્ટેશનરીનું ટેન્ડર અપાવવાની લાલચ આપી ઠગાઇ આચર્યાની ફરિયાદમાં સાયબર ક્રાઇમે તપાસ કરી નવો ઘટસ્ફોટ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વિશાલ ગાલા ઓનલાઇન ગેમીંગમાં કરોડો રૂપિયા હારી ગયો હોવાથી ખોટી ફરિયાદ કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ મામલે ફરિયાદ કરનાર વિશાલ ગાલાની જ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.
નવનીત પ્રકાશન સાથે સંકળાયેલા ગાલા પ્રિન્ટ સીટીના એમડી વિશાલ ગાલાએ સાયબર ક્રાઇમમાં 27 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે એવી રજૂઆત કરી હતી કે, તમિલનાડુમાં સ્ટેશનરી સપલાયનું સરકારી ટેન્ડર અપાવવાની વાત એક ચોક્કસ લોકોએ કરી હતી. એક ગેંગ દ્વારા તેમને સરકારી ટેન્ડરમાં મોટો ફાયદો થશે તેમ સમજાવી કરોડોનું ટેન્ડર અપવવાની વાત કરી હતી. જેમાં ધીરે ધીરે ટેન્ડર પ્રોસેસના નામે 26.78 કરોડ રુરિયા બેંક એકાઉન્ટમાં ભરાવી ઠગાઇ આચરી હતી. તમીલનાડું ટેક્સબુક કોર્પોરેશનનું ટેન્ડર આપવાના બહાને ઠગાઇ આચરી હતી. આમ 27 કરોડ જેટલી માતબર રકમ ભરાવ્યા બાદ ફોન કરનાર શખ્સે ફોન બંધ કરી દીધો હતો. તેના એડ્રેસ પર તપાસ કરતા તે મળી પણ આવ્યો ન હતો. વિશાલ ગાલા તમીલનાડુ તપાસ કરવા પહોચી ગયા હતા પરંતુ આવા કોઇ સરકારી ટેન્ડરની જવાબદારી કોલ કરનાર શખ્સને સોપાઇ ન હોવાનું બહાર આવ્યું હતુ. જેથી ઠગાઇની ફરિયાદ તેમણે નોંધાવી હતી.
આવી ફરિયાદ બાદ સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી હતી. જેમાં ફરિયાદીએ આપેલ નંબરની કોલ ડિટેઇલ અને લોકેશન કઢાવતા તે બેંગ્લોર ખાતું આવ્યું હતું.
જેથી પોલીસ બેંગ્લોર પહોંચી હતી અને તે ફોન નંબર કરનસિંઘ રાવત(રાજપુત)નો હોવાનું સામે આવ્યું હતું. કરંસિંઘ FONEPAISA કંપનીનો ડાયરેક્ટર
હોવાનું અને તેણે વિશાલ ગાલાના ખાતામાં કંપનીના એકાઉન્ટમાંથી પૈસા જમા કરાવ્યા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત કરનસિંઘ પાસેથી એક ડીવાઇસ મળ્યો હતો તે અમદાવાદ લાવી તેની તપાસ કરી કરનસિંઘની વધુ પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, વિશાલ સાથે કોઇ જ ટેન્ડરની વાત થઇ નથી.વિશાલ
ઇન્ડિયા24બેટ.કોમ નામની વેબસાઇટમાં ગેમીંગથી પૈસાની હારજીત કરતો હતો. તે પૈસા ચુકવવા માટે તે પોતાના એકાઉન્ટ અને ગાલા કંપનીના એકાઉન્ટમાંથી FONEPAISA કંપનીમાં પૈસા નાંખતો હતો. તે જે પૈસા નાંખતો હતો તે ગેમ રમવામાં ઉપયોગ કરતો હતો. તેણે કોઇ ટેન્ડર ભર્યું નથી. ત્યારબાદ પોલીસે વિશાલ ગાલાની પુછપરછ કરી હતી. જેમાં તે ઓનલાઇન ગેમીંગમાં પૈસા હારી ગયો હોવાનું કબુલ કર્યું હતું. જેથી પોલીસે ફરિયાદી વિશાલની જ ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.