25 જુલાઇએ આ રોગ જિલ્લાનાં 20 ગામોમાં હતો જ્યારે અત્યારે 295 ગામમાં ફેલાઇ ચૂક્યો છે.ગાંધીનગરની ટીમે સરવે કરી ગયાને 1 મહિનાથી વધુ સમય થયો છતાં પશુને સારવારની કોઇ સૂચના મળી નથી
સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસમાં પશુપાલનના વ્યવસાયનો પણ ખુબ મોટો ફાળો છે. પરંતુ વર્તમાન સમયે પશુમાં ફેલાયેલા લમ્પીના રોગને કારણે એકપછી એક પશુ આ રોગનો શિકાર બની રહ્યા છે. અને આથી જ પશુપાલમો ચિંતામાં મૂકાઇ ગયા છે. ત્યારે છેલ્લા 33 દિવસના ટુકા સમયમાં આ રોગ જિલ્લાના વધુ 275 ગામમાં ફેલાઇ ગયો છે. જેને લઇને ઊહાપોહ મચી ગયો છે.જિલ્લામાં પાણીની સગવડતા થવાની સાથે ઘાસચારો સારા પ્રમાણમાં મળતો થયો છે. અને આથી જ જિલ્લાના ખાસ કરીને ગામડાઓમાં પશુપાલનના વ્યવસાયનો વ્યાપ વધ્યો છે.અને આથી જ જિલ્લામાં હાલના સમયે 325680 પશુની સંખ્યા થઇ ગઇ છે. પરંતુ જિલ્લામાં છેલ્લા બે માસથી પશુમાં જોવા મળેલા લમ્પીના રોગને કારણે પશુપાલકો ચિંતામાં મુકાઇ ગયા છે.તા.21 જૂને ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાં લમ્પીનો રોગ ધ્યાને આવ્યો હતો. ત્યાર બાદ ધીરે ધીરે આ રોગનો અજગરી ભરડો વધુને વધુ ગામોમાં ફેલાઇ ગયો હતો. તા.25 જુલાઇએ આ રોગ જિલ્લાના 20 ગામમાં ફેલાઇ ચૂકયો હતો. આજે આ રોગ 295 ગામમાં ફેલાઇ ગયો છે. જે જોતા માત્ર 33 દિવસના ટૂંકા સમયમાં આ રોગ જિલ્લાના વધુ 275 ગામમાં ફેલાઇ ગયો છે.જે ખરેખર ચિંતાનો વિષય બની ગયો છે.આરોગ્ય વિભાગના 73 કર્મચારી કામે લાગવા છતા રોગ કાબૂમાં આવવાનું નામ લેતો નથી. આથી જ પશુઓ હવે રામ ભરોશે થઇ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ રોગની સારવાર માટે કોઇ ચોકકસ દવા નથી તે પશુપાલન શાખા પણ સ્વીકારી ચૂકયુ છે. ત્યારે પશુને ઓરી અને અછબડાના રોગ માટે આપવામાં આવતી શિપપોકસની રસી જ આપવામાં આવી રહી છે.વર્તમાન સમયે જિલ્લામાં કુલ 3506 પશુ લમ્પીના રોગનો શિકાર બન્યા છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઇને ગાંધીનગરથી પશુમા ફેલાયેલા લમ્પીના રોગની તપાસ માટે ટીમ ખાસ સુરેન્દ્રનગર આવી હતી. અને બે દિવસ રોકાઇને અસર ગ્રસ્ત ગામોની મુલાકાત લઇને ગઇ હતી. તેને પણ 1 માસથી વધુનો સમય થઇ ગયો છતા હજુ સુધી કોઇ રિપોર્ટ કે પશુને બીજા કેવા પ્રકારની સારવાર આપવી તે અંગે ગાંધીનગરથી પશુપાલન શાખાને કોઇ જ સુચના આપવામાં આવી નથી. તો તપાસ ટીમ શું કરીને ગઇ તે અંગે પણ અનેક અવઢવ ફેલાઇ છે.સરકારી ચોપડે આજની તરીખે જોઇએ તો આ રોગને કારણે 173 પશુના મોત થઇ ચૂકયા છે. જયારે અનઓફિશિયલી આ આંકડો ખૂબ મોટો હોવાનું માનવામાં આવી રહ્યું છે.આવા ગંભીર સમયે જો રોગને અટકાવવામાં નહીં આવે તો હજુ પણ સ્થિતિ વધુ વણશે તેવી સર્જાઇ શકવાનો પશુપાલકોમાં ભય ફેલાયો છે.