શિવસેના સામે બળવો કરીને સીએમ બનેલા એકનાથ શિંદે હવે ઉદ્ધવ ઠાકરેને નવો ઝટકો આપવા જઈ રહ્યા છે. ટુંક સમયમાં BMC સહિત મહારાષ્ટ્રમાં અનેક નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. એકનાથ શિંદેએ આ ચૂંટણીઓમાં ભાજપ સાથે ગઠબંધન કરીને શિવસેનાને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એકનાથ શિંદે જૂથના સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ, પુણે, ઔરંગાબાદ સહિત અનેક મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિંદે જૂથ અને ભાજપ આગામી નગરપાલિકાની ચૂંટણી સાથે મળીને લડશે તે લગભગ નિશ્ચિત છે. ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના અવસર પર એક નવું ગઠબંધન રચાયું છે.

હાલમાં સીટ ફાળવણીને લઈને ભાજપ અને શિંદે જૂથ વચ્ચે પ્રાથમિક બેઠક થઈ ગઈ છે. શિંદે ગ્રુપના ઔરંગાબાદ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર જંજલે આ માહિતી આપી છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં સરકાર રચાઈ છે. ત્યાર બાદ આ પ્રથમ વખત છે, જ્યારે બંને આગામી નગરપાલિકાની ચૂંટણી એકસાથે લડશે. શિંદે ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. ઔરંગાબાદના તમામ છ શિવસેના ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા છે. જેના કારણે શિવસેના પહેલાથી જ મુશ્કેલીમાં છે. જો ભાજપ અને શિંદે જૂથ હિન્દુત્વના મુદ્દે એકસાથે ચૂંટણીનો સામનો કરે છે, તો ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાને મૂંઝવણનો સામનો કરવો પડી શકે છે.

જણાવી દઈએ કે ઔરંગાબાદના શિવસેનાના ધારાસભ્ય ઉદય સિંહ રાજપૂત, સંજય શિરથ, રમેશ બોરોન અને પ્રદીપ જયસ્વાલ એકનાથ શિંદે સાથે છે. આ સિવાય અબ્દુલ સત્તાર અને સંદીપન ભુમરે પણ એકનાથ શિંદે સાથે છે. હાલમાં કોર્પોરેશનની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને પ્રથમ બેઠક મળી છે. બેઠકોમાં પાસ થયેલા ઠરાવ અંગે ભાજપ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણીમાં ઝંપલાવવાની અંતિમ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવશે. જોકે, એકનાથ શિંદે જૂથ અને ભાજપ મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની રચનાને લઈને હજુ સુધી કોઈ સમજૂતી પર પહોંચી શક્યા નથી. લગભગ ત્રણ સપ્તાહ વીતી ગયા છે અને હજુ સુધી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સિવાય કોઈ મંત્રીએ શપથ લીધા નથી.