અમદાવાદ 

અમદાવાદમાં ઠેર ઠેર સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડા પાડી કાર્યવાહી બંધ કરાવી છે. જોકે આમ છતાં પણ બિલાડીની ટોપની માફક ફૂટી નીકળેલા સ્પા સેન્ટરોમાં આ પ્રકારની ગેરરીતિ અટકતી નથી. સેટેલાઇટ જેવા પોશ વિસ્તારમાં આવેલા એક મોલની અંદર સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધાને પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે ત્યાં પહોંચતા જ પોલીસે જે જોયું તે જોઈને પોલીસની આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ હતી.
 
સેટેલાઇટ વિસ્તારમાં આવેલા જોધપુર ચાર રસ્તા પાસે ઇસ્કોન ઇમ્પોરિયો મોલમાં લીસ હીવન સ્પામાં ગેરરીતિ ચાલતી હોવાની માહિતી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી.પોલીસ પહોંચતા જ ત્યાં ભાગદોડ ભર્યો માહોલ સર્જાયો હતો.જોકે પોલીસે ત્યાં તપાસ કરતા કેટલીક યુવતીઓ મળી આવી હતી, જેઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ સ્પાના સંચાલક તરંગ વૈષ્ણવ તેની સાથેની એક મહિલા ભાગીદાર અને મેનેજર ભાવિન બ્લેકવેલ ભેગા મળીને સ્પામાં યુવતીઓને લાવી ગ્રાહક દીઠ 500 રૂપિયા આપતા હતા અને બહારથી પુરુષ ગ્રાહકો લાવી યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવતા હતા.આ મામલે સેટેલાઈટ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા અનેક બાબતો સામે આવી હતી.જેથી પોલીસે મહિલા સહિતના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓની સામે અનૈતિક વ્યાપાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તમામ યુવતીઓને મુક્ત કરાવી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ કેટલા સમયથી આ દેહ વ્યાપાર ચલાવતા હતા અને અન્ય કોઈ આ ગુનામાં તેઓની સાથે સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.