ભાવનગરના શ્રમજીવી વિસ્તારના શાળાઓના બાળકોને શૈક્ષણિક ઉપયોગની પેન, પેડ પેન્સિલ જેવી ૩,૦૦૦ જેટલી વસ્તુઓ આપીને પોતાના ૪૧ મા જન્મદિનની ઉજવણી કરતાં જાણીતાં સેવાભાવી શ્રી કાળુભાઈ જાંબુચા
નાની-નાની કુંવારીકાઓના પગ ધોઈ સેવા સાથે સંસ્કારનું પણ જતન- સંવર્ધન કર્યું
*સમાજ પ્રત્યે સમર્પિત આવાં લોકોના નિસ્પૃહ ભાવને કારણે જ આજે ભારત સમગ્ર વિશ્વમાં સંસ્કૃતિ અને સંસ્કારમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ લઇ રહ્યો છે
સામાન્ય રીતે સમાજ જીવનમાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણી ધામધૂનથી અને બીજાને બતાવી દેવા અથવા પોતે સર્વોપરી છે એવાં દેખાડા સાથે કરતાં હોય છે. જ્યારે બીજી બાજુ સમાજના એવાં પણ વ્યક્તિઓ છે કે, જેઓ કોઈપણ પ્રકારના દેખાડા વગર સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરીને તેની ઉજવણી કરતાં હોય છે
ભાવનગરના આવાં જ એક સેવાભાવી શ્રી કાળુભાઈ જાંબુચા છે જેમણે પોતાના ૪૧ માં જન્મદિવસની ઉજવણી ભાવનગરની શ્રમજીવી વસ્તીમાં આવેલ શાળાઓના બાળકોને શૈક્ષણિક વપરાશની ૩,૦૦૦ જેટલી વસ્તુઓ આપીને કરી હતી.
તેમણે માત્ર વસ્તુઓ આપી એટલું જ નહીં પરંતુ તેમનું સન્માન જળવાય અને વસ્તુઓ લીધાનો ભાવ અથવા બીજી કોઈ નીમ્ન ભાવના ન જન્મે એનું પણ ધ્યાન રાખીને તેમણે તેમના જન્મદિવસની આ ઉજવણી કરી હતી
તેમણે માત્ર વસ્તુઓ જ નહોતી આપી પરંતુ ભારતીય શાસ્ત્રોમાં કહેવાયું છે કે, 'યત્ર નાર્યેસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા' એટલે કે જ્યાં મહિલાઓનું પૂજન થાય છે- સન્માન થાય છે. ત્યાં દેવતાઓ પણ વાસ કરે છે. તેવાં મંત્રને ચરિતાર્થ કરતાં નાની-નાની કુંવારિકાઓના પગ ધોઈને તેમજ ઉપસ્થિત ગુરુજનોના આશીર્વાદ લઈને ભારતીય સંસ્કૃતિના જતન - સંવર્ધનનું પણ એક અનોખું ઉદાહરણ સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યું હતું.
ઉલેખ છે કે, તેઓ કોળી સેનાના શહેર પ્રમુખ, માનવ અધિકાર અને મહિલા બાળ વિકાસ સંગઠનના રાષ્ટ્રીય કારોબારી સભ્ય, અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ, અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિના રાજ્ય સંયોજક એમ વિવિધ હોદ્દા ઉપર ફરજ બજાવતાં હોવાં છતાં સમાજ પ્રત્યેનું ઋણ હંમેશાં હૃદયમાં રાખીને તેઓ સમાજની વિવિધ રીતે સેવાઓ કરતાં રહ્યાં છે
આ અગાઉ પણ તેઓ તેમના જન્મદિવસે વિધવા મહિલાઓને સાડીઓ આપવી, શિયાળામાં રોડ અને ફૂટપાથ પર સૂઈ ગયેલા લોકોને ચાદર ઓઢાડવી, નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતાં વાલીઓના બાળકોની ફી ભરવી જેવાં અનેક સમાજ ઉપયોગી કાર્યો તેમજ ધાર્મિક કાર્યો સમયે- સમયે કોઈપણ પ્રકારના દેખાડા વગર નિસ્પૃહ ભાવથી કરતાં રહ્યાં છે.
આજે તેમણે સેવાવસ્તી ધરાવતાં કુંભારવાડા, અક્ષર પાર્ક, મિલેટ્રી સોસાયટી, બોર તળાવ એમ વિવિધ વિસ્તારોની સેવા વસ્તીના બાળકોની બહુલતા ધરાવતી શાળાઓમાં ૩,૦૦૦ જેટલાં નોટ, પેડ, પેન, પેન્સિલ, રબ્બર, ફૂટપટ્ટી સહિતની શૈક્ષણિક વસ્તુઓ વિદ્યાર્થીઓને આપીને વિદ્યા સંવર્ધનનું કાર્ય તેમના ૪૧ માં જન્મદિવસે કર્યું હતું
જેમના જન્મદિવસની આ ઉજવણીને સાર્થક કરતાં તેમનું મિત્ર મંડળ પણ તેમના આ સેવા કાર્યમાં ખભે-ખભો મિલાવીને સહભાગી થયું હતું.
નિસ્પૃહ ભાવે અને કોઈપણ પ્રકારની ખેવના વગર આવાં સેવા ભાવથી સમાજ સેવા કરતાં લોકોને કારણે જ આપણો સમાજ ઉજળો છે અને સમગ્ર વિશ્વમાં ભારત સંસ્કાર અને સંસ્કૃતિની દ્રષ્ટિએ વિશ્વનું નેતૃત્વ થઈ રહ્યો છે. તેની પાછળનું કારણ સમાજમાં રહેલાં આવાં સમાજસેવી લોકોનો સમાજ પ્રત્યે રહેલો સમર્પિત ભાવ છે.
પી.ડી ડાભી તળાજા ભાવનગર