પાવી જેતપુરમાં ઘૂટણવડ ખાતે બહેનના પ્રેમલગ્નથી અકળાયેલા આરોપી સાળા સચિન રાઠવાને પાવીજેતપુર નામદાર કોર્ટમાં રજૂ કરતાં ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

             પાવી જેતપુર તાલુકાના ઘુટણવડ ખાતે પોતાની બહેને પ્રેમ લગ્ન કર્યા હતા જેને લઇને અકળાયેલા સાળા સચિન રાઠવાએ પોતાના બનેવી સુનીલ રાઠવાની બંદૂકના ભડાકે દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે આરોપી સાળા સચિન રાઠવાને પાવીજેતપુર પોલીસે તરત જ પકડી લીધો હતો. આ મામલે પાવીજેતપુર પોલીસે આરોપી સાળા સચીન રાઠવા પાસેથી હજુ વધુ માહિતી તેમજ કેટલી તપાસ કરવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. જે અરજીમાં આરોપી સાળા સચિન રાઠવાને બંદૂક ચલાવતા કોને શિખવ્યું ?, તેને બંદૂકની કારતૂસ કોણે આપી ?, સચિન રાઠવાએ કોઈ ગુનાહિત કાવતરું રચ્યું છે કે કેમ ? , તેની પાસે અન્ય કોઈ હથિયાર છે કે કેમ ?, તેના ઘરમાં બીજા કારતૂસ છે કે કેમ ?, ઘરમાં બીજી કોઈ વસ્તુ છે કે કેમ વગેરે માહિતી માટે પૂછપરછ કરવાની તેમજ સ્થળ પર જવાનું હોવાથી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ પાવીજેતપુરના નામદાર કોર્ટે આરોપી સાળા સચિન રાઠવાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.        

      અત્રે એ મહત્વનું છે કે આ હત્યા કેસમાં આરોપી સાળાની સાથે તેના પિતા અંદરસીંગભાઈ બચુભાઈ રાઠવાને પણ સહ આરોપી બનાવવામાં આવ્યા છે. તેઓએ પોતાની બંદૂક તેઓ પોતે ફરજ પર હોવા છતાં પોલીસ મથકે જમા કરાવી ન હતી. જેને કારણે આ બંદૂકનો ઉપયોગ તેમના પુત્ર દ્વારા કરીને હત્યા જેવો જધન્ય ગુનો આચરવામાં આવ્યો છે. હાલ સહ આરોપી અંદરસિંગભાઈ બચુભાઈ રાઠવા જમ્મુ ખાતે બી.એસ.એફ.માં ફરજ બજાવે છે. અને તેઓ ઉપર દાખલ થયેલ ગુના અંગે પોલીસ વિભાગ દ્વારા બી.એસ.એફ.ને જાણ કરવામાં આવનાર હોવાનું પોલીસના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.