કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ભાજપના નેતાઓ સાથે જોડાતા ફરી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપના એક પછી એક દિગ્ગજો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપમાં વેલકમ કેમ્પેઈન અંતર્ગત ધોરાજીના ધારાસભ્ય વસોયાને લઈને પણ અટકળો વહેતી થઈ હતી.વસોયા સિવાય અન્ય 6 કોંગ્રેસના ધારાસભ્યો સૌરાષ્ટ્ર વિસ્તારના ભાજપના સંપર્કમાં હોવાની વાતો અગાઉ થઈ હતી ત્યારે લલિત વસોયાને લઈને ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. ત્યારે ફરીથી લલિત વસોયા ભાજપના મંત્રી અરવિંદ રૈયાણી અને સાસંદ રમેશ ધડૂક સાથે દેખાયા હતા. પાટણવાવ ઓમસ ડુંગર પર અમાસના મેળામાં તેઓ સાથે દેખાયા હતા.લલિત વસોયા ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય છે.

અગાઉ અટકળો વહેતી થતા તેમને આ મામલે કોંગ્રેસમાં રહેવાની જ વાત કરી હતી પરંતુ દરેક નેતા આ પ્રકારે જ નિવેદન અન્ય પાર્ટીમાં જોડાતા પહેલા આપે છે. ખાસ કરીને લલિત વસોયાએ અગાઉ એક કાર્યક્રમમાં ભાજપના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. ત્યારે હવે ફરીથી તેમણે જન્માષ્ટમીની શુભેચ્છા આપતા પોસ્ટરમાં ક્યાંય કોંગ્રેસનો ઉલ્લેખ ના કરતા ત્યારે પણ તેમની કેસરીયા કરવાની વાતે જોર પકડ્યું હતું. જો કે, મીડિયા સમક્ષ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા એવું પણ કહી ચૂક્યા છે કે, ટિકિટ નહીં મળે તો પણ પાર્ટીમાં જ રહીશ. મારો નિર્ણય ડંકાની ચોટ પર હોય છે તેમ પણ કહ્યું હતું. હું કોંગ્રેસમાં જ હતો અને કોંગ્રેસમાં જ રહીશ. ત્યારે લલિત વસોયા મામલે આગામી સમય જ બતાવશે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે નહીં.