આગામી તા.26 સપ્ટેમ્બરથી શરૂ થનાર નવરાત્રિ મહોત્સવ માટે વડોદરા કોર્પોરેશનની સ્થાયિ સમિતી દ્વારા વડોદરા કોર્પોરેશન હસ્તકના 17 મેદાનો ગરબા આયોજકોને રૂપિયા પ્રતિદિન રૂપિયા 1 ના ભાડાથી આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. નોંધનીય છે કે, સયાજીપુરા નગર ગૃહની બાજુમાં આવેલ પ્લોટ ગરબા આયોજકોને ન આપતા અન્ય ગરબા આયોજકોને પાર્કિંગ માટે ફાળવવામાં આવતા વિવાદ સર્જાય તેવા એંધાણ છે.માં શક્તિની આરાધના કરવાના મહાપર્વ નવરાત્રીને આડે એક માસ બાકી છે.
પરંતુ, દરિયા પારના દેશોમાં વિખ્યાત વડોદરાના ગરબાની તૈયારીઓ વડોદરાના ગરબા આયોજકો દ્વારા અત્યારથીજ શરૂ કરી દેવામાં આવે છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ કોર્પોરેશનન હસ્તકના ખુલ્લા પ્લોટો ગરબા આયોજકોને ભાડે આપવામાં આવે છે. આ વખતે પણ કોર્પોરેશન દ્વારા ગરબા આયોજકો પાસેથી મેદાન ભાડે રાખવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી.
વડોદરા કોર્પોરેશન પાસે આવેલી અરજીઓના પગલે ગરબા માટે મેદાનો આપવા માટે સ્થાયિ સમિતીમાં દરખાસ્ત આવી હતી. આજે મળેલી સ્થાયિ સમિતીની મળેલી બેઠકમાં વડોદરા કોર્પોરેશન હસ્તકના 17 મેદાનો ગરબા આયોજકોને પ્રતિદિન રૂપિયો 1 ના ટોકન ભાડાથી આપવાની દરખાસ્તને સર્વાનુંમતે મંજૂર કરવામાં આવી હતી. જોકે, સયાજીનગર ગૃહની બાજુમાં આવેલા પ્લોટની ચંદ્રકલા ટ્રસ્ટ તેમજ શ્રી યુગશક્તિ ગરબા મહોત્સવ દ્વારા માંગણી કરવામાં આવી હતી. પરંતુ, સ્થાયિ સમિતી દ્વારા ચંદ્રકલા ટ્રસ્ટને પ્લોટ આપવાના બદલે યુગશક્તિ ગરબા મહોત્સવને પાર્કિંગ માટે આપતા વિવાદ સર્જાયો છે.મળેલી માહિતી પ્રમાણે વડોદરા કોર્પોરેશન દ્વારા કારેલીબાગ શ્રીપાદ નગરમાં અડુકીયો-દડુકીયો, માંજલપુર ત્રિવેણી પાર્કમાં શ્રી બાહુબલી સેવા મંડળ, કલ્યાણ બાગ, માંજલપુરમાં પ્રણાલિકા ગરબા મહોત્સવ, અંબાલાલ પાર્ક, કારેલીબાગમાં કારેલીબાગ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ એસોસિએશન, માંજલપુર-સીતાબાગમાં માંજલપુર નવરાત્રિ મહોત્સવ, નિઝામપુરા મહેસાણા નગર- શ્રી ઇસ્ટઝોન જન કલ્યાણ યુવક મંડળ, છાણી ઇન્દ્રપ્રસ્થ સોસાયટી- આદ્યશક્તિ ગરબા મહોત્સવ, વાઘોડિયા રોડ-રેવા પાર્ક ચંદ્રપુરી મિત્ર મંડળ, માંજલપુર- મંગલેશ્વર સ્મશાન પાસે શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ યુવક મંડળ, ન્યુ સમા રોડ બાળ ગોપાળ ગરબા ગ્રાઉન્ડ- બાળ ગોપાળ ગરબા સમિતી, સુભાનપુરા-સમતામાં શીશી સાંસ્કૃતિક ટ્રસ્ટ, સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ- સાંઇનાથ એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, અકોટા ડી માર્ટ પાછળ શ્રી યુગશક્તિ ગરબા મહોત્સવ તેમજ પાર્કિંગ માટે સર સયાજીરાવ નગર ગૃહની બાજુ વાળો પ્લોટ પાર્કિંગ માટે આપવામાં આવશે. તે સાથે સર સયાજીનગર ગૃહની બાજુ વાળો પ્લોટ - બરોડા આઇટી એસોસિએશનને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.