હાલમાં દેશમાં દરેક વ્યક્તિ માટે મંકીપોક્સ રસીકરણની જરૂર નથી. કારણ કે વાયરસને લઈને ભારતની સ્થિતિ અન્ય દેશોની તુલનામાં ઘણી અલગ છે. અત્યાર સુધીમાં મંકીપોક્સના 10 કેસ નોંધાયા છે અને એકનું મોત થયું છે. આ તમામ કેસ એકબીજાથી અલગ છે અને તેમાં વાયરસની સ્ટ્રેઈન પણ અલગ છે.
દેશમાં મંકીપોક્સ રસીકરણ કેટલું મહત્વનું છે તે અંગેના પ્રશ્નના જવાબમાં પૂણેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઇવી)ના ડિરેક્ટર ડૉ. પ્રિયા અબ્રાહમે આ વાત કહી હતી. NIVના ડાયરેક્ટર ડૉ. અબ્રાહમે કહ્યું કે, દેશની સ્થિતિ હવે ઘણી સારી છે. મને નથી લાગતું કે દરેકને મંકીપોક્સ સામે રસી આપવાની જરૂર છે. જો કે, જે લોકો ચેપગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવ્યા હોય તેમને રસી અપાવવી જરૂરી છે.
હકીકતમાં, NIV મંકીપોક્સ અને કોવિડ-19 રોગચાળા માટે પૂણે દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી મોટું કેન્દ્ર છે. અત્યાર સુધીમાં, એકલા મંકીપોક્સ ચેપ માટે 259 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જ્યારે આ તપાસ દેશની વધુ 15 લેબમાં ચાલી રહી છે. કોરોના રોગચાળાની શરૂઆતમાં, NIV એ પ્રથમ પરીક્ષણની પદ્ધતિ શોધી હતી અને બાદમાં કોવેક્સિન રસી પણ બનાવી હતી.
મંકીપોક્સની રસી પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે
ડો. પ્રિયાએ જણાવ્યું કે ટૂંક સમયમાં દેશમાં મંકીપોક્સની રસી મળવા જઈ રહી છે. વાયરસને અલગ કર્યા બાદ ખાનગી ફાર્મા કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. લગભગ આઠ સ્વદેશી કંપનીઓએ શોધમાં જોડાવાની તૈયારી દર્શાવી છે, જેના પર અંતિમ નિર્ણય ICMR દ્વારા લેવાનો છે. ટૂંક સમયમાં તમને તેના વિશે માહિતી મળી જશે.