ભરૂચ: ગુરુવાર: ભરૂચ ખાતે ઓમકાર નાથ ઠાકુર હોલમાં “યુવા ભારત માટે નવું ભારત” કાર્યક્મમાં ઉપસ્થિત કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રેશખરે જણાવ્યું છે કે, આગામી એક જ વર્ષમાં ભારતની ડિઝીટલ ઇકોનોમી એક ટ્રિલિયન ડોલરને આંબી જશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ એવા ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિઝીટલ ઇકોનોમીનો હિસ્સો ૨૫ ટકા જેટલો હશે. આગામી ત્રણ વર્ષના સમયમાં આ ડિઝીટલ ઇકોનોમીમાં સૌથી વધુ યુવાનોને નોકરી મળશે, તેવું પણ આકલન કરવામાં આવી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાની વિપુલ તકો રહેલી છે. સેમિ કન્ડક્ટર, સ્પેસ, મટિરિયલ્સ, ડ્રોન, એઆઇ, રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં સ્ટાર્ટઅપની વ્યાપક તકો રહેલી છે. દેશ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગવી દીર્ઘદ્રષ્ટિથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં મજબૂતાઇથી આગળ વધી રહ્યો છે. છેલ્લા બે વર્ષ દરમિયાન દેશમાં એક સો યુનિકોર્ન એવો છે કે, જેમની વેલ્યુ રૂ. ૮૦ હજાર કરોડ જેટલી થવા જાય છે. આ બાબત જ દર્શાવે છે કે, ભારત સ્ટાર્ટઅપ થકી અર્થતંત્રમાં ઉભરી રહ્યું છે.

ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારત વિશ્વમાં અગ્રીમ હરોળમાં છે, એમ કહેતા મંત્રીએ ઉમેર્યું કે, આગામી દસ વર્ષમાં ભારત વિશ્વની ટેક્નોલોજીની જરૂરિયાતોને સંતોષશે, એ પ્રકારે કામ થઇ રહ્યું છે. દેશની યુવાશક્તિ વિશ્વને મહાત આપી રહી છે અને દુનિયાની સારી સારી કંપનીઓને પણ ભારતીય યુવાનો હંફાવી રહ્યા છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી ચંદ્રશેખરે એમ પણ કહ્યું કે, વડાપ્રધાનની દુરંદેશિતાથી વિશ્વમાં અનેક પ્રકારના પડકારોને પાર પાડીને દેશમાં સૌથી વધારે ફોરેન ઇન્વે્ટમેન્ટમાં ધરાવતો દેશ બન્યો છે.આ ઉપરાંત કોરોના કાળમાં સૌથી વધારે વેક્સિનેશન તથા બહુ મોટી સંખ્યામાં નાગરિકોને આ સમયગાળામાં અનાજ આપવાની સૌથી મોટી યોજના અમલમાં મૂકી હતી.

ટેક્નોલોજીના મહત્તમ વિનિયોગના કારણે દેશમાં સુસાશનનું વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે, તેમ કહેતા તેમણે ઉમેર્યું કે, આજે દેશના ગરીબોને તેમને મળવાપાત્ર લાભો સમયસર અને સીધેસીધા તેના ખાતામાં ડીબીટી મારફતે મળી રહ્યા છે.

ઇન્ટરનેટ સલામત અને વિશ્વાસપાત્ર, જવાબદાર અને તમામ નાગરિકો માટે સરળ ઉપલબ્ધ હોવાની આવશ્યક્તા ઉપર ભાર મૂકતા ચંદ્રશેખરે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા લિગલ ફ્રેમ વર્ક તૈયાર કરીને આ ક્ષેત્રને વધુ જવાબદેહી બનાવવામાં આવ્યું છે. સાયબર સિક્યુરિટી માટે સરકાર સતત પગલા લઇ રહી છે.

રાજીવ ચંદ્રશેખરે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું કે, મેઇક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિઝીટલ ઇન્ડિયાના પાયા ઉપર નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું અને દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે .આવનાર દાયકો ભારતનો છે, તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, આગામી ૧૦ વર્ષ ન્યુ ઇન્ડિયા ફોર યન્ગ ઇન્ડિયાના સૂત્રને સરકાર યુવાશક્તિ સાથે મળીને સાકાર કરશે, ભારતમાં ટેક્નોલોજી અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં રહેલી વિશાળ તકોમાં દેશમાં ટેકેડ ઓફ ઓપોર્ચ્યુનિટી સર્જશે.આ પસંગે મંત્રીશ્રીએ सारे जहां से अच्छा , डिजिटल इंडिया हमाराનો નવા નારો પણ આપ્યો હતો.

આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે કે, ‘ભારતનું મીની ઇન્ડિયા છે.’ સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાં , આત્મ નિર્ભર ભારત બનાવવા તમામને રોજગારી માટે ન્યૂ ઇન્ડિયા ફોર યંગ ઇન્ડિયા ખરેખર સાર્થક બનવા જઈ રહ્યું છે. રોજગારી માટે IIT, ઔદ્યોગિક સંસ્થાઓનો ફાળો અગત્યનો રેહશે

આ પ્રસંગે રાજ્ય શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતું કે “શિક્ષણ દ્વારા સમાજનો ઉત્થાન” વિધાનને સાચા અર્થમાં મૂર્તિમંત કર્યું છે . વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા ન્યુ ઇન્ડિયા ફોર યંગ ઇન્ડિયા કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે મહીલા ઉદ્યોગ સાહસિકતા સશક્તિકરણ સાથે મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભરતાની વાત પણ કરી હતી.મહિલા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ટેકનોક્રેટ અંતર્ગત મહિલા ઉદ્યમીઓને પણ આર્થિક રીતે પગભર કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની ચાલતી વિવિધ યોજનાઓની સરાહના કરી હતી. મહીલા નેતૃત્વ સહિત સામજિક પરિવર્તન માટે માટે તકનિકી સંસ્થા અને વિદ્યાલયો પણ અગત્યની ભૂમિકા ભજવે છે.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે જિલ્લા ઉધોગ કેન્દ્ર ભરૂચ દ્વારા મુદ્રીત નવી ઔધોગિક નીતિ-૨૦૨૦ માર્ગદર્શિકા પુસ્તકનું વિમોચનકરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ઉચ્ચ શિક્ષણ કમિશ્નર એમ.નાગરાજન, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, શિક્ષણ જગતના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.