હાલોલના તાજપુરા ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં.....

હાલોલના તાજપુરા ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં.....

ગુજરાત રાજય પ્રાકૃતિક કૃષિ દ્વારા કૃષિ ક્રાન્તિનું પ્રેરણા કેન્દ્ર બનશે : રાજયપાલ આચાર્ય દેવવ્રત

ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે હાલોલ તાલુકાના તાજપુરા ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતું કે ગુજરાત રાજય પ્રકૃતિક કૃષિ દ્વારા કૃષિ ક્રાંતિનું પ્રેરણા કેન્દ્ર બનશે. તેમજ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાસાયણિક કૃષિથી મુક્તિ માટેના સંકલ્પ સાથે ગુજરાતમાં ઓર્ગેનિક કૃષિ યુનિવર્સીટીની સ્થાપના કરી હતી. આજે ગુજરાતે હાલોલની પાવન ધરા ઉપર પ્રાકૃતિક કૃષિ અને કૃષિ યુનિવર્સીટીની સ્થાપના કરી માત્ર દેશ માટે નહી સમગ્ર વિશ્વ માટે પ્રેરણા પુરી પાડી છે. તેમણે જણાવ્યું હતું કે દેશના ખેડૂતો આત્મનિર્ભર બનશે તો દેશ આત્મનિર્ભર બનશે. ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે.તેમજ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના કિસાનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યુ છે અને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા અનુરોધ કર્યો છે ત્યારે, ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા જન અભિયાન ઉપાડયુ છે. રાજયપાલ એ પ્રાકૃતિક કૃષિના મુળ ભાવને સમજાવતા જણાવ્યું હતું કે જંગલમાં વૃક્ષ, વનસ્પતિને કોઇ રાસાયણિક ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી તેમ છતાં તેનો પ્રાકૃતિક રીતે વૃધ્ધિ વિકાસ થાય છે. આ જ રીતે ખેતરમાં પ્રાકૃતિક રીતે કૃષિ કરવામાં આવે તે જ પ્રાકૃતિક કૃષિ કહેવાય છે. રાજયપાલ એ પ્રાકૃતિક કૃષિના સિધ્ધાંતો સમજાવતા જણાવ્યું હતું કે આ પધ્ધતિમાં છાણ,ગૌમૂત્રથી બનતા બીજામૃતથી બીજને સંસ્કારિત કરવામાં આવે છે. જેના કારણે બીજનું અંકુરણ ઝડપથી થાય છે. જીવામૃત-ઘન જીવામૃત, પ્રાકૃતિક ખાતર જેવું કાર્ય કરે છે. આ પધ્ધતિમાં કૃષિ અવશેષોથી જમીનને આંકવામાં આવે છે. આ મલ્ચીંગથી જમીનનું ઉંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. જેથી આ પધ્ધતિમાં પાણીનો વપરાશ ૫૦ ટકા ઘટાડી શકાય છે. મલ્ચીંગને કારણે અળસીયા જેવા મિત્રજીવો અને અન્ય સુક્ષ્મજીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ મળી રહે છે. આ ઉપરાંત આ પધ્ધતિમાં માટીના કણો વચ્ચે હવા અને ભેજના પ્રમાણની જાળવણી થવાથી વાત્સાનું નિર્માણ થાય છે. આ પધ્ધતિમાં મિશ્રપાકનું પણ મહત્વ છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ્દ હસ્તે ૭૫ પ્રાકૃતિક કૃષિ સાફલ્ય ગાથા પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભે કલેક્ટર સુજલ મયાત્રાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા અને કાર્યક્રમના સમાપનમાં જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડે આભાર પ્રવચન કર્યુ હતું. પરિસંવાદ કાર્યક્રમમાં મહાનુભાવોનું પ્રાકૃતિક ખેતપેદાશોથી સ્વાગત કરાયું હતું. અહીં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ખેત ઉત્પાદનના સ્ટોલ પણ ઉભા કરાયા હતા.