કારેલી ગામના ઇન્ચાર્જ તલાટીને ડીડીઓએ એકતરફી નિર્ણય કરી જોહુકમીથી ફરજ મોકુફીના હુકમના વિરોધમાં તલાટી મંડળ ખફા

ઓલપાડ તાલુકાના કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી કેતન જાસોલીયાને ડીડીઓ સુરતે જોહુકમીનો કોરડો વિંઝી ફરજ મોકુફીનો હુકમ કર્યો છે.જેના વિરોધમાં જિલ્લાના તલાટીઓ ખફા થતા આજે ઓલપાડ તલાટી મંડળે મામલતદાર અને ટીડીઓને એક આવેદનપત્ર આપી રોષ ઠાલાવ્યો હતો. જયારે જિલ્લા તલાટી મંડળના આદેશના પગલે આજથી તાલુકાના તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા તાલુકાની ગ્રામ પંચાયતોમાં પ્રજા અને સરકારી કામગીરી થપ્પ થઈ જવા પામી છે.

વિગત મુજબ આજે બુધવારે ઓલપાડ તલાટી મંડળના પ્રમુખ કમલેશ નાયક, ઉપપ્રમુખ નિકેતાબેન પટેલ અને મંત્રી પાર્થ અણઘણના નેજા હેઠળ ઓલપાડ તલાટી મંડળે મામલતદાર તથા ટીડીઓને આવેદનપત્ર આપી ડીડીઓના એકતરફી નિર્ણય વિરૂધ્ધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. તલાટીમંડળે રોષ ઠાલવતા કહ્યું કે, ઓલપાડ તાલુકાના પરીઆ ગામ સહિત કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી કેતનભાઈ જાસોલીયા વિરૂધ્ધ થયેલ ફરિયાદ મામલે સુ.જિ.વિ. અધિકારીએ વગદાર અને સાધન સંપ્પન મહિલા અરજદારે ઉપજાવી કાઢેલ રજુઆત બાબતે કોઈપણ તપાસ અને ધોરણસરની કાર્યવાહી કર્યા વિના ફકત તા.૨૫/૦૭/૨૦૨૨ની રજુઆત અરજીના એ જ દિવસે માત્ર ને માત્ર માલેતુજાર વર્ગનો ધમંડ સંતોષાય તેવા હેતુથી ત.ક.મંત્રી કેતન જાસોલીયાને એકતરફી, કોઈપણ જાતના ગુણદોષ તપાસ્યા વિના ફરજ મોકુફીનો હુકમ કરેલ છે.

જો આ મેરીટથી કર્મચારીઓની ફરજ મોકુફી કરવામાં આવે તો, જિલ્લાના દરેક તલાટી કમ મંત્રીઓને ફરજ મોકુફ કરવા પડે તેવી હાલની પરિસ્થિતિ જણાઈ રહી છે.આવા સંજોગોમાં ગ્રામ પંચાયત કક્ષાએથી વહીવટ કરવો ખુબ જ કઠીનતાભર્યો બને તેવી ભીતી સેવાઈ રહી છે.જો આજ મેરીટથી આવી ઉપજાવી કાઢેલી અને તંત્રને બાનમાં રાખવાના ઈરાદાપુર્વક અને માત્ર ને માત્ર અરજદારની અહેમીયત જાહેર થાય તેવા કારણોસર ફરજ મોકુફી કરવામાં આવે તો અમારે ફરજ કેવી રીતે બજાવવી?જો આમ જ ચાલશે તો અસામાજીક તત્વોને પ્રોત્સાહન મળ્યું ગણાશે.

જયારે આ હુકમના વિરોધમાં સુ.જિ.ત. મંડળ દ્વારા ગત તા.૨૬/૦૭/૨૦૨૨ ના રોજ સુ.જિ.વિ. અધિકારીને એક આવેદનપત્ર આપી જિલ્લાના તાલુકા મંડળ તરફથી મળેલ પ્રતિભાવોને ધ્યાનમાં લઈ જ્યાં સુધી આ બાબતે કોઈ નકકર નિરાકરણ ન આવે અથવા જિલ્લા મંડળનો બીજો આદેશ ન થાય ત્યાં સુધી દરેક તાલુકા મંડળના તલાટી કમ મંત્રીઓએ તા.૨૭ મી જુલાઈથી તમામ કામગીરીનો બહિષ્કાર કરી તાલુકા કક્ષાએ હાજર રહી માત્ર આવશ્યક સેવાઓ સંબંધિત અને આપત્તિ વ્યવસ્થાપન સિવાય તમામ પ્રકારની કામગીરીઓ ન કરવા આદેશ કર્યો હતો.જેના પગલે ઓલપાડ તાલુકાના તલાટીઓ પણ જોડાતા ગ્રામ પંચાયત કચેરીઓમાં પ્રજા અને સરકારી કામ થપ્પ થઈ જવા પામ્યા છે.

જિલ્લાના તલાટી કમ-મંત્રીઓ શા માટે વિફર્યા?

ઓલપાડ તાલુકાના પરીઆ ગામના રેગ્યુલર અને કારેલી ગામે કેતન જે. જાસોલીયા ઇન્ચાર્જ તલાટી તરીકે પણ ફરજ બજાવતા હતા. ગત તા.૨૫ મી જુલાઈના રોજ કારેલી ગામે રાજકીય અને સરકારી કચેરીઓમાં હાક, ધાક અને વગ ધરાવતી બિનાબેન રાવ નામની મહિલા તેમની મિલ્કતનો કરાવેરો ભરવા અને આકારણી નકલો મેળવવા આવી હતી. આ સમયે મિલ્કતની નોંધણી અને આકારણી મામલે ગામના તલાટી કેતન જાસોલીયા સહિત ગામના સરપંચ સાથે આ મહિલાએ ભારે રકઝક કરી, નાલાયક ગાળો અને અપમાનજનક જાતિવિષયક અપશબ્દો બોલી બબાલ મચાવતા ધમકી આપી હતી કે, હું આર.આર.એસ. (RSS)માં છું અને મારો પુત્ર આઈ.એ.એસ. (IAS) અધિકારી છે, હું તમને જોઈ લઈશ. જો કે તલાટીએ આ મહિલાને રૂપિયા ભરેલ પાકી રસીદ પણ આપી દીધી હતી. પરંતુ ત્યારબાદ આ વગદાર મહિલાએ ગત તા.૨૫ મી જુલાઈના રોજ તલાટી કેતન જાસોલીયા વિરૂધ્ધ પગલાં ભરવા સુ.જિ.વિ. અધિકારીને ફરિયાદ અરજી આપી હતી. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, ડીડીઓ સુરતે કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી કેતન જાસોલીયા વિરૂધ્ધ મહિલાએ કરેલ ફરિયાદના તે દિવસે જ ફરજ મોકુફીનો કોરડો વિંઝતા જિલ્લાના તલાટીઓ ડીડીઓ, સુરતના એકતરફી અને જોહુકમી નિર્ણયથી નારાજ થઈ તલાટીઓ વિફર્યા હતા.