વડોદરા જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ અને કુરાલીના સરપંચ ભૌમિક પટેલે પોલીસ દારૂના હપ્તા લેતી હોવાની પોસ્ટ મૂકી ચકચાર જગાવી હતી આ પોસ્ટ મુકનાર ભૌમિક પટેલજ દારૂ પીધીલી હાલતમાં ઝડપાઇ જતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.

ભૌમિક પટેલે મંગળવારે જ સોશિયલ મીડિયા પોલીસ અને એમએલએ દારૂના હપ્તા લે છે તેવી પોસ્ટ મૂકી વિવાદ ઉભો કર્યો હતો.

 

દરમિયાન,કરજણ ટોલ પ્લાઝા નજીકથી યુ ટર્ન લઈ એક કાર સુરત તરફ હંકારતાં પોલીસે શંકાના આધારે કારનો પીછો કર્યો હતો.
દરમિયાન આ કાર લાકોદરા ગામ નજીક હાઇવે ઉપર આવેલી સતીમાતા હોટલના પાર્કિંગમાં આ કાર પાર્ક કરેલી મળી આવી હતી.
જ્યાં કાર બહાર નશાની હાલતમાં ઊભેલા બે શખ્સોને પૂછતાં તેઓ કુરાલી ગામમાં પટેલ ફળિયામાં રહેતો ભૌમિક ધર્મેન્દ્ર પટેલ અને નવી નગરીમાં રહેતો ગોવિંદ બાલુ વસાવા હોવાનું જણાવ્યું હતું.

પોલીસે બંને વિરુદ્ધ પીધેલાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે મંગળવારે જ ભૌમિક પટેલે કરજણ પોલીસ, એસપી, એમએલએ દારૂના હપ્તા લે છે તેવી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતાં વિવાદ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભૌમિક પટેલ કુરાલી ગામનો સરપંચ છે તદુપરાંત કરજણ તાલુકા સંઘનો પ્રમુખ પણ છે. એક ચર્ચા એવી પણ છે કે ભૌમિક પટેલ કોંગ્રેસ તરફથી આગામી વિધાનસભાની ચૂંટણીનો સંભવિત ઉમેદવાર હોવાની વાત પણ સામે આવી છે.