બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં જંગી માત્રામાં પાણીની આવક થતા દાંતીવાડા ડેમની સપાટી 600 ફૂટે પહોંચી છે. જેના કારણે દાંતીવાડા ડેમના દરવાજા ખોલીને બનાસ નદીમાં પાણી છોડાતા લોકોમાં ખુશી ફેલાઈ છે. બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ છેલ્લા કેટલાક સમયથી દુષ્કાળની સ્થિતિમાં હતો. જોકે, વર્ષ 2017માં બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૂર બાદ દાંતીવાડા ડેમમાં પાણીની આવક નહિવત રહેતાં ખેડૂતોને સિંચાઈ માટે મળતું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. આથી આ વિસ્તારમાં પીવાના પાણીની અછત સર્જાઈ હતી. પરંતુ આ વર્ષે બનાસકાંઠા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં છેલ્લા કેટલાક દિવસોથી પુષ્કળ પાણી જમા થયું છે. જેના કારણે આજે દાંતીવાડા ડેમની જળ સપાટી 600 ફૂટે પહોંચી જતાં દાંતીવાડા ડેમનો એક ગેટ ખોલી ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

દાંતીવાડા ડેમના એક દરવાજામાંથી 10 હજાર ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવશે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ જો વરસાદ ચાલુ રહેશે અને ડેમમાં પાણીનો પ્રવાહ ચાલુ રહેશે તો બનાસ નદીમાં વધુ પાણી છોડવામાં આવશે અને ડેમના વધુ દરવાજા ખોલવામાં આવશે. દાંતીવાડા ડેમના દરવાજા ખોલીને બનાસ નદીમાં પાણી છોડાતા આ વિસ્તારના ખેડૂતો સહિત લોકોમાં આનંદ છવાયો હતો. મહત્વની વાત એ છે કે દાંતીવાડા ડેમના દરવાજા ખોલ્યાના 5 વર્ષ બાદ દાંતીવાડા સહિત આસપાસના વિસ્તારના હજારો લોકો ડેમ પર પહોંચ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડેમ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવા છતાં આ વર્ષે ડેમ ભરાઈ જવાના કારણે દાંતીવાડા સહિત અનેક વિસ્તારોમાં પાણીની સપાટી વધશે જેનો ખેડૂતોને ઘણો ફાયદો થશે.