ગોધરા: સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સાધનો અને ખાલી મહેકમ ભરવા આરોગ્ય મંત્રીને અનુરોધ.!!

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સાધનો અને ખાલી મહેકમ ભરવા બાબતે ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય ગોપાલભાઈ પટેલએ આરોગ્ય વિભાગના મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ગોધરા શહેરમાં જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલ છે. જેમાં પંચમહાલ જિલ્લાની પ્રજા દરરોજ મોટી સંખ્યામાં સારવાર અર્થે આવે છે પરંતુ હાલમાં આ હોસ્પિટલમાં ડોકટર અને જરૂરી ફાર્મસી તેમજ નર્સિંગ સ્ટાફના અભાવ ના કારણે હાલમાં એડહોક જોડેથી કામ લેવામાં આવે છે.જેને લીધે દર્દીઓને જોઈતી સારવાર મળતી નથી. જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. પંચમહાલ જિલ્લામાં આદીવાસી વિસ્તાર ધરાવતા લોકો રહે છે જ્યાં હજારોની સંખ્યામાં આદિવાસી લોકો અને લઘુમતી સમાજના તેમજ ગરીબ મધ્યમ વર્ગના લોકો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં આવતા હોય છે આ લોકો આર્થિક રીતે સક્ષમ ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં કે વડોદરા, અમદાવાદ જેવી હોસ્પિટલમાં સારવાર અર્થે જઈ શકતા નથી ત્યારે સિવિલ હોસ્પિટલમાં સ્ટાફના અભાવે ઘણા દર્દીઓને સમયસર પૂરતી સારવાર પણ મળતી નથી. જ્યારે ગોધરા સિવિલ હોસ્પિટલ માં ખાલી જગ્યાઓમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમને કારણે દર્દીઓ તરફ પૂરતું ધ્યાન આપી શકાતું નથી અને સોનોગ્રાફી જેવી પાયાની સુવિધા માટે મોટી સંખ્યામાં લાઈનમાં ઉભા રહેવું પડે છે દર્દીઓને ત્રણ ચાર વખત હોસ્પિટલમાં ધક્કા ખાવા પડે છે અને ઘણી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં પણ તેનો લાભ દર્દીઓને મળતો નથી. તાજેતરમાં તા.૨૨ ઓગસ્ટના રોજ એક્સ રે વિભાગમાં અંદાજે ૧૦૦ જેટલા દર્દીઓ લાઈનમાં ઊભા હતા અને તેમ છતાં પણ એક્સ રે વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે ટાઈમ પૂરો થઈ ગયો તેમ કહી એક્સ રે વિભાગને બંધ કરી દેવામાં આવ્યો હતો.જેને કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી સ્ટાફના અભાવ ના કારણે મોટા પ્રમાણમાં લાઈનો લાગી હતી. વધુમાં ગોપાલભાઈ એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં જર્જરિત હાલતમાં પડી રહેલા કાટમાળ પણ જરૂરીયાત વાળા વિભાગ એક્સ રે વિભાગમાં મૂકવામાં આવ્યા હતા જેને લઈ તાત્કાલિક અસરથી નિકાલ કરવા માટે આરોગ્ય વિભાગ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.