જૈન ધર્મના આત્મ આરાધકો માટે પાવન પર્વ પર્યુષણ આવી ગયા છે.પર્યુષણનો અર્થ થાય છે: ચારેય બાજુથી હટીને આત્મામાં સ્થિર થવું. આ પર્વ આત્મસ્થ થવાનું શીખવે છે. માણસ બહારી ભૌતિક વસ્તુઓ પાછળ, બૌદ્ધિક ઉહાપોહના કારણે અને પોતાના નામની ભૂખને પોષવાના કારણે કારણ વગરનો વ્યસ્ત થઇ ગયો છે.
આ ત્રણેય કારણોના લીધે આ બહાર જ ભટક્યા કરે છે. એમાં એ શાંતિ અને સુખ માને છે પણ એ અશાંતિનો ભ્રમ માત્ર છે – આ સત્ય જીવનના અંતિમ ક્ષણે સમજાય છે પણ ત્યારે ખૂબ મોડું થઇ ગયું હોય છે. ત્યારે માત્ર પછતાવો શેષ રહે છે.
આ પવિત્ર દિવસોમાં વધુને વધુ આત્મ અનુસંધાન, આત્મ ચિંતન, આત્મ સુધારની સાધના થવી જોઈએ. લક્ષ્ય ગૌણ ના થવું જોઈએ.
પર્યુષણ પર્વ એ બહારની પ્રવૃતિઓ બદલવાનું નહિ પરંતુ ભીતરની વૃત્તિઓ બદલવાનું પર્વ છે. આપણે સંકલ્પ કરીએ કે આ આઠ મોટા દિવસોમાં :
– હું ક્રોધ નહિ કરું,ભાવાત્મક પ્રતિક્રિયા નહિ કરું.
– હું કોઈની નિંદા નહિ કરું.
– હું કોઈની ઈર્ષ્યા નહિ કરું પણ પ્રમોદભાવ રાખીશ.
– હું સત્ય જ બોલીશ, જૂઠું નહિ બોલું.
– હું રોજ 15 મિનિટ ધ્યાન કરીશ.
– હું રોજ એક કલાક મૌન રાખીશ.
– હું પોતાના દોષો જોઈ, તેમાં સુધાર લાવી ભાવ પ્રતિક્રમણ કરીશ.
– મારા દ્વારા થયેલી ભૂલોની હું ઉદારતાથી ક્ષમા માંગીશ અને કોઈની ભૂલો માટે નમ્રતાથી ક્ષમા માંગીશ.
આ પર્યુષણ પર્વ તહેવાર માં સમગ્ર જીવનને બદલવાનો ઉપક્રમ બનવો જોઈએ. આ પર્વમાં માત્ર જૈનો જ કેમ, આત્મ સુધાર કરવા ઈચ્છતી દરેક વ્યક્તિ જોડાઈ શકે છે. મહાવીર પણ ક્યાં જૈન હતા? બધા તીર્થંકરો રાજપુત હતા . આત્માને જીતવાનો ધર્મ છે.
પર્યુષણ શબ્દમાં ‘પરિ’ એટલે ચારેય બાજુ સારી રીતે, ‘ઉષણ’ એટલે કે આરાધના-આત્મશુદ્ધિ માટે એક સાથે રહેવું. પર્યુષણમાં જૈનો તપ-જપ-પૌષધ કરે છે. આઠેય દિવસ અહિંસાનું ચુસ્ત પાલન કરે છે. પર્યુષણમાં મોટી સંખ્યામાં જૈનો સવાર-સાંજ પ્રતિક્રમણ કરતાં હોય છે. પુણ્યનું પોષણ અને આત્મશુદ્ધિનું આ પર્યુષણ પર્વ જિનશાસનની ભવ્ય પરંપરા છે. પ્રથમ ત્રણ દિવસ ‘અષ્ટાહ્નિકા’ ગ્રંથ પર પ્રવચન જ્યારે ચોથા દિવસથી કલ્પસૂત્રનું વાચન શરૂ થાય છે. પાંચમાં દિવસે પ્રભુ મહાવીરસ્વામીનું જન્મનું વાંચન થાય છે. પ્રભુજીની માતા ત્રિશલાને આવેલા 14 મહાસ્વપ્નોનું સકળ સંઘને દર્શન કરાવવામાં આવે છે.
આઠ દિવસના આ પર્વમાં સાત દિવસ આરાધનાના છે જ્યારે આઠમો દિવસ ક્ષમા નામના ધર્મની સિદ્ધિનો છે. સંવત્સરીનું પ્રતિક્રમણ થાય છે. આ વર્ષે પર્યુષણ પર્વનો અનેરો ઉત્સાહ વર્તાઇ રહ્યો છે. પ્રત્યેક સંઘમાં તપશ્ચર્યા જેવી કે 8 ઉપવાસ, 16 ઉપવાસ, સિદ્ધિતપ, 30 ઉપવાસ જેવી વિવિધ કઠોર તપશ્ચર્યા મોટી સંખ્યામાં ભાવિકો કરી રહ્યા હોય છે.