ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં પક્ષપલટાનો દોર શરૂ થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના જૂના જોગી એવા સોમાગાંડા પટેલ ફરી એકવાર કોંગ્રેસમાં વાપસીની તૈયારીમાં હોય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. તેઓ કોંગ્રેસના મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર એવા અશોક ગેહલોતને મળવા પહોંચ્યા હતા. જો કે અશોક ગેહલોતે મળવા માટે સમય ન આપ્યો તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. આથી સોમા પટેલે સહપ્રભારી રામ કિશન ઓઝા સાથે બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે સોમા પટેલે 2020માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતુ. સોમા પટેલ સાથે વાતચીત કરવામાં આવી. તેઓએ આ અંગે જણાવ્યું કે હું કોઇને મળવા નહોતો પહોંચ્યો. મારે અશોક ગેહલોતને મળવુ હોત તો રાજસ્થાન પહોંચુ એવો છું. કેસ ચાલી રહ્યો છે તે સંદર્ભે બાબુ ભાઇ માંગુકિયાને મળવા ગયો હતો. વિધાનસભાની ચૂંટણી તેઓ જરૂરથી લડશે તેમ જણાવ્યુ હતું.
સોમા પટેલનો રાજકીય ઇતિહાસ
1989માં સૌ પહેલીવાર સોમાભાઈ ભાજપમાંથી સુરેન્દ્રનગરના સાંસદ તરીકે ચૂંટાયા
1991માં પણ ફરી ચૂંટણી આવતા સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ બન્યા
2004માં ફરી ભાજપે સોમા ગાંડાને મેદાને ઉતાર્યા અને જીત્યા
2009માં તેમની સામે અસંતોષ વધતા ભાજપે લોકસભાની ટિકિટ ન આપી
2009માં કોંગ્રેસે સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ આપી અને કોંગ્રેસમાંથી જીતી ગયા
2009માં કોંગ્રેસની ટિકિટ પરથી સુરેન્દ્રનગરથી 5 હજારની લીડે જીત્યા
સાંસદ હોવા છતાં કોંગ્રેસે 2012માં લીંબડી વિધાનસભામાં સોમા ગાંડાને ઉતાર્યા
2012માં કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા ધારાસભ્ય પણ બની ગયા
સાંસદ પદ જાળવી રાખવા માટે ધારાસભામાંથી કોંગ્રેસે સોમા ગાંડાને રાજીનામુ અપાવ્યું
લીંબડી વિધાનસભાની પેટાચૂંટણી આવી તો સોમા ગાંડાએ દીકરાને ટિકિટ અપાવી
પણ પેટાચૂંટણીમાં કિરિટસિંહ રાણા સામે સોમા ગાંડાનો દીકરો હારી ગયો
2014માં ચૂંટણી આવી તો કોંગ્રેસે ફરી સોમા ગાંડાને મેદાને ઉતાર્યા
2014માં દેવજી ફતેપરા સામે મોટા માર્જિનથી સોમા ગાંડાની હાર થઈ
2017માં વિધાનસભાની ચૂંટણી આવી તો સોમા ગાંડા ફરી મેદાનમાં આવી ગયા
કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા લીંબડીના ધારાસભ્ય બની ગયા
2019ની લોકસભા ચૂંટણી આવી તો સોમા ગાંડા સિવાય કોંગ્રેસને કોઈ વિકલ્પ મળ્યો નહી
2019ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી ટિકિટ આપી પણ સોમા ગાંડા હારી ગયા
મહેન્દ્ર મુંજપરા સામે સુરેન્દ્રનગરથી 2.77 લાખની લીડે સોમા ગાંડા હાર્યા છે