માલગઢમાં માળી સમાજે વર્ષોની પરંપરા જાળવી, ગૈર અને લૂર નૃત્યનું આકર્ષણ જમાવ્યું..

લુપ્ત થતી જતી કલાને જીવંત રાખવા માટે દર વર્ષે રમાય છે

વર્ષો અગાઉ રાજસ્થાનથી આવીને ડીસાના માલગઢમાં વસવાટ કરતાં મારવાડી માળી સમાજ દ્વારા હોળી-ધૂળેટીના પર્વની અનોખી રીતે ઉજવણી કરી આજે પણ લુપ્ત થતી કલાને જીવંત રાખી રહ્યા છે. હોળી-ધૂળેટી પર્વે પુરૂષો હાથમાં ડંડા લઇને ગૈર અને મહીલાઓ લૂર નૃત્ય રમે છે.

ડીસા સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષો પહેલાં રાજસ્થાનથી આવેલા માળી સમાજના લોકો વસવાટ કરે છે. તેઓ હોળી-ધૂળેટીનો તહેવાર રાજસ્થાનની જેમ જ ઉજવે છે..

જેમાં ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં આવેલ કાળા-ગોરા ભૈરવ ધામ ખાતે ભૈરવ યંગ બોયઝ ગૃપ અને સમસ્ત ગ્રામજનો દ્વારા બુધવારે ‘તિલક ધૂળેટી’ અને મારવાડી ‘ગૈર અને લૂર’ નું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનો પરંપરાગતમાં સજ્જ થઇ પુરૂષોએ ‘ગૈર નૃત્ય અને મહીલાઓએ લૂર નૃત્ય’એ આકર્ષણ જમાવ્યું હતું..

આ ઉપરાંત કુડાવાળી ઢાંણી, સ્કૂલવાળી ઢાંણી, મોટી ઢાંણી અને ડીસાના કાંટ રોડ પર આવેલ જી.જી. માળી વિદ્યા સંકુલમાં બુધવારે માળી સમાજ દ્વારા ‘તિલક ધૂળેટી’ અને મારવાડી ‘ગૈર અને લૂર’નું આયોજન કરાતાં મોટી સંખ્યામાં ભાઇ-બહેનો પરંપરાગતમાં સજ્જ થઇ પુરૂષોએ ‘ગૈર નૃત્ય અને મહીલાઓએ લૂર નૃત્ય’ ની મજા માણી હતી. જેમાં માળી સમાજ અને તમામ કોમના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનમાં હોળી-ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જ્યારે આ વર્ષ ૧૬ આની સારું રહેશે તેવો વર્તારો જોવામાં આવ્યો હતો..