ખેડા જિલ્લામાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે કલેકટર કે.એલ.બચાણી દ્વારા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર સર્કિટ હાઉસના કોન્ફરેન્સ હોલ ખાતે વિધાનસભાની ચૂંટણી અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં ગેપ એનાલિસિસ, સ્ટ્રોંગ બૂથ, વીક બૂથ, BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા મેળવેલા મતદારોના ફોર્મની યાદી , મતદારોની માહિતી,ચૂંટણીલક્ષી માહિતી વગેરે જેવા મુદ્દાની ચર્ચા કલેકટર દ્વારા કરવામાં આવી. 

જે વ્યક્તિના ૧૮ વર્ષ થઇ ગયેલ હોય તેમને મતદાર કાર્ડ મળી રહે તે માટે કલેકટરશ્રીએ અધિકારીઓને જણાવ્યું હતું. જો મતદારો બૂથ સુધી ન આવી શકે તો તેવા સંજોગોમાં BLO (બૂથ લેવલ ઓફિસર) જે તે વોર્ડમાં ઘરે - ઘરે જઈને ત્યાં રહેતા ૧૮ વર્ષથી વધુ ઉમરના લોકોના નામ મતદાર યાદીમાં ઉમેરવાની કામગીરી કરવા કલેકટર એ અનુરોધ કર્યો.

ડીઝીટલ દુનિયાની વાત કરતા કલેકટરશ્રીએ જણાવ્યું કે,આ સમય ડીઝીટલયુગ છે. યુવાનો વધુ ને વધુ VHA (વોટર હેલ્પલાઈન એપ્લીકેશન) સાથે જોડાય તે અંગે જાગૃતિનું કાર્ય તમામ અધિકારીઓએ કરવું. મતદારોમાં VHA એપ્લિકેશન વિષે જાગૃતિ લાવવી અને મતદાન જાગૃતિ કાર્યક્રમ વિશે સોશિયલ મીડિયામાં પણ મતદાર જાગૃતિ પ્રોગ્રામ અંગે યોગ્ય પ્રચાર પસાર કરવા માર્ગદર્શન આપ્યું. કલેકટર દ્વારા આ કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી બિરદાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, પ્રાંત અધિકારી ઠાસરા રિદ્ધિ શુક્લ, ડી.આર.ડી.ઓના ડાયરેક્ટર સી.પી રાણા, મામલતદાર ઠાસરા નિહારિકાબેન, મામલતદાર ગળતેશ્વર સોહિનીબેન પટેલ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.