મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓ માટે વડોદરા ખાતે જાહેર સુનાવણી યોજતા સમર્પિત આયોગના ચેરમેન જસ્ટીસ કે. એસ. ઝવેરી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગોને અનામત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલા સમર્પિત આયોગે આજે મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓ માટે વડોદરા ખાતે જાહેર સુનાવણી હાથ ધરી હતી અને તેમાં આયોગને ૧૨૦૦થી વધુ રજૂઆતો મળી હતી. આયોગ દ્વારા તમામ રજૂઆતકર્તાઓને વ્યક્તિગત રીતે પણ સાંભળવામાં આવ્યા હતા.

સમર્પિત આયોગના અધ્યક્ષ જસ્ટીસ કે. એસ. ઝવેરી ઉપરાંત સભ્યો શ્રી આઇ. એસ. પટેલ,  કે. એસ. પ્રજાપતિ અને વી. બી. ઠાકોર આજે સવારમાં જ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ધારાસભા હોલ ખાતે જાહેર સુનાવણી હાથ ધરી હતી. જેમાં આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર છોટાઉદેપુર ઉપરાંત વડોદરા જિલ્લા સહિત મહાનગરપાલિકાના વિસ્તારમાંથી રજૂઆતો સ્વીકારવામાં આવી હતી અને રજૂઆતકર્તાઓને સાંભળવામાં પણ આવ્યા હતા.

સમર્પિત આયોગના અધ્યક્ષ જસ્ટીસ કે. એસ. ઝવેરી સમક્ષ મધ્ય ગુજરાત સાત જિલ્લાઓના વિવિધ સામાજિક અને રાજકીય સંગઠનો અને સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા સામુહિક અને વ્યક્તિગત રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં આ રજૂઆતકર્તાઓએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગર-મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગો માટે બેઠક અનામત રાખવા અંગે પોતાના વિચારો, સૂચનોની લેખિત અને મૌખિક રીતે પ્રસ્તુત કર્યા હતા.

સાંજ સુધી ચાલેલી સુનાવણી દરમિયાન આયોગે તમામ રજૂઆતકર્તાઓને ઉક્ત સંબંધે ધીરજપૂર્વક સાંભળ્યા હતા. સૌથી વધુ રજૂઆતો વડોદરા મહાનગર ઉપરાંત આણંદ તથા ખેડા જિલ્લામાંથી મળી હતી.

આ સુનાવણી દરમિયાન જે તે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીઓ ઉપરાંત વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સુશ્રી શાલિની અગ્રવાલ, કલેક્ટર અતુલ ગોર, કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારી અશોક પટેલ ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ પણ જોડાયા હતા.