મહીસાગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખાનપુર તાલુકામાં આવેલ તલપતના ભેવાડા ગામે એક મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. પરિવારના આઠ સભ્યો ઘરમાં સુતેલા હતા, તે સમયે આ ઘટના બની હતી. પરંતુ સદનસીબે તમામે તમામ આઠ લોકોનો ચમત્કારી બચાવ થયો છે. જ્યારે પશુઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
આ કાચા મકાનમાં રહેતાં ભુરાભાઈ શનાભાઈ માલીવાડના જણાવ્યા અનુસાર આ ઘટના વહેલી સવારે બની હતી, મકાનની અંદર હું અને મારી પત્નિ સહિત પરિવારના કુલ આઠ લોકો સુતા હતા અને અચાનક અમારા કાચાં મકાનની માટી ખરી રહી હતી. જેથી અમે સમયસૂચકતાથી બહાર નીકળવા જતા હતા ત્યાં જ અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી . બનાવમાં અમારા પરિવારનો બચાવ થયો, પરંતુ પશુઓને ઇજાઓ પહોંચી છે.
આ ઘટના અંગે મૈયાપુર ગ્રામ પંચાયતમાં જાણ કરી હતી . ત્યારબાદ મૈયાપુર ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ તાત્કાલિક પહોંચ્યા હતાં અને ફોટા પાડી, બાકોર તાલુકા મથકે જાણ કરી હતી.
વધુમાં આ બાબતે મૈયાપુર ગ્રામ પંચાયતના તલાટીએ અસરગ્રસ્ત પરિવારને ખાતરી આપી હતી કે પરિવારનું પ્રધાનમનમંત્રી આવાસ યોજનાનું મકાન યાદીમાં નામ છે. જે ટૂંક સમયમાં મંજૂર થવાના આરે છે. પરિવારે તંત્ર પાસે સહાયની માંગ કરી હતી. બીજી તરફ આજ ગામમાં દોલાભાઈ સોમાભાઇ માલીવાડના ઘર પાસે આવેલ વીજ પોલ લટકતા વિજવાયરો સાથે તબેલાની દીવાલ પર પડ્યો હતો અને દીવાલ ક્ષતિગ્રસ્ત થઈ હતી. આ બનાવની જાણ મધ્ય ગુજરાત વીજ કંપનીની બાકોર તાલુકા ઓફિસે જાણ કરતા અધિકારીઓ તાત્કાલિક બનાવના સ્થળે દોડી આવ્યા હતા ને સમારકામની તજવીજ હાથ ધરી હતી. ત્યારે મહીસાગર જીલ્લામા ભારે વરસાદના પગલે અનેક મકાન ધરાશાયી થયા છે.