કેશોદ: રાજ્ય ભરમાં પર્યાવરણને નુકસાન કરતાં અને પ્રદુષણ ફેલાવતાં પાતળાં પ્લાસ્ટિક ડિસ્પોઝલ પર પ્રતિબંધ લગાવી વેંચાણ અને વપરાશ પર કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર જથ્થો મળી આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કેશોદ પ્લાસ્ટિક ડિસ્પોઝલ એશોશીએશન નાં પ્રમુખ ભરતભાઈ કક્કડ ની આગેવાની હેઠળ કેશોદ પ્લાસ્ટિક ડિસ્પોઝલ નાં વેપારીઓ કેશોદ નગરપાલિકા કચેરી એ પહોંચી ચીફ ઓફિસર ને રજૂઆત કરી હતી કે કેશોદ નગરપાલિકા નાં આરોગ્ય શાખાના અધિકારીઓ સાથે ત્રાહિત વ્યક્તિઓ અને મારફતિયા આવીને ગેરવર્તન કરી જોહુકમી ચલાવે છે આવાં લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. કેશોદના પ્લાસ્ટિક ડિસ્પોઝલ નાં વેપારીઓ દ્વારા સરકારનાં ધારાધોરણો નું પાલન કરવાની ખાત્રી આપી હતી પરંતુ ત્રાહિત વ્યક્તિઓ ની હેરાનગતિ બંધ કરવામાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં ઘર્ષણ સર્જાશે તો જવાબદારી નગરપાલિકાની રહેશે.