સુપ્રીમ કોર્ટે પીએમએલએ એક્ટમાં ધરપકડ, દરોડા, સમન્સ, નિવેદન સહિત EDને આપવામાં આવેલી તમામ સત્તાઓને યથાવત રાખી છે. કોર્ટે કહ્યું છે કે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) ને FIR સાથે જોડી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) પર મોટો નિર્ણય સંભળાવ્યો છે. ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ દ્વારા નોંધાયેલા કેસમાં ફસાયેલા લોકોને આંચકો આપતાં કોર્ટે પીએમએલએ એક્ટની વિવિધ જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે 2018માં કાયદામાં કરાયેલા સુધારા યોગ્ય છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તમામ સત્તાઓને યથાવત રાખી છે.

હકીકતમાં, પીએમએલએની કેટલીક જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી 100 થી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં EDની સત્તા, ધરપકડનો અધિકાર, સાક્ષીઓને બોલાવવાની રીત અને સંપત્તિ જપ્ત કરવાની અને જામીન પ્રક્રિયાને પડકારવામાં આવી હતી. આ અરજીઓ કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમ, એનસીપી નેતા અનિલ દેશમુખ અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવી હતી.

જોકે,સુપ્રીમ કોર્ટે પીએમએલએ એક્ટમાં ધરપકડ, દરોડા, સમન્સ, નિવેદન સહિત EDને આપવામાં આવેલી તમામ સત્તાઓને યથાવત રાખી છે. કોર્ટે કહ્યું છે કે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) ને FIR સાથે જોડી શકાય નહીં. ઈસીઆઈઆરની નકલ આરોપીને આપવી જરૂરી નથી. ધરપકડ દરમિયાન કારણો જાહેર કરવા માટે તે પૂરતું છે.

કેન્દ્ર સરકારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે પીએમએલએ એક્ટ 17 વર્ષ પહેલા અમલમાં આવ્યો હતો. ત્યારથી આ કાયદા હેઠળ 5,422 કેસ નોંધાયા છે. જ્યારે માત્ર 23 લોકોને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે. 31 માર્ચ સુધી EDએ એક લાખ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે અને 992 કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે.