અમદાવાદ 

એસ.ટી.નિગમને આવકની દ્રષ્ટિએ ઓગષ્ટ માસના તહેવારો સારા એવા ફળ્યા છે. તા.૨૦ ઓગષ્ટ સુધીના ૧૦ દિવસોમાં ૭.૩૪ લાખથી વધુ ટિકિટોનું મુસાફરોએ રિઝર્વેશન કરાવ્યું હતું. જેના થકી નિગમને ૧૪.૨૧ કરોડથી વધુની આવક થવા પામી હતી. ગત વર્ષે આ સમયગાળાની તુલનામાં આ વર્ષે નિગમને ૫.૯૫ કરોડની વધુની આવક થવા પામી છે.
 
શ્રાવણ માસ તહેવારોનો મહિનો છે, રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, નાગ પાંચમ, સાતમ, આઠમ, નોમ  સહિતના તહેવારો ઉપરાછાપરી આવ્યા.  અનેક વ્રતો આવ્યા. આ દિવસોમાં લોકો ધાર્મિક પ્રવાસ કરતા હોય છે. સગા વહાલાને ઘરે , વતનમાં કુંટુંબ સાથે, તિર્થ સ્થાને તેમજ સહપરિવાર નજીકના પ્રવાસન સ્થળોએ ફરવા જવાનું આયોજન લગભગ તમામ પરિવારોનું હોય છે.તહેવારોની આ સિઝનમાં એસ.ટી.નિગમે એકસ્ટ્રા સંચાલન કરીને સારી એવી આવક મેળવી છે. નિગમના અધિકારીઓના જણાવ્યા મુજબ કોરોનાકાળ પછી આ વર્ષે ખુબ જ મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળ્યા છે. વિવિધ બસ સ્ટેન્ડો પર હજારોની સંખ્યામાં મુસાફરો જોવા મળ્યા હતા. બસોના સંચાલન માટે વિશેષ સ્ટાફ તૈનાત કરવા, ૨૪ કલાકનું સંચાલન ચાલુ રાખવાની ફરજ પડી હતી. લોકોએ બસમાં સીટ કન્ફર્મ કરવા માટે મુસાફરોએ આ વર્ષે એડવાન્સમાં ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. તા.૧૦ ઓગષ્ટથી ૨૦ ઓગષ્ટ સુધીમાં ૭,૩૪,૪૨૮ સીટોનું મુસાફરોએ રિઝર્વેશન કરાવ્યું હતું. જેના થકી નિગમને ૧૪,૨૧,૨૮,૪૭૩ રૂપિયાની જંગી આવક થવા પામી હતી.અમદાવાદ અને સુરતથી સૌરાષ્ટ્ર  જવા માટે વિશેષ ધસારો જોવા મળ્યો હતો. દાહોદ, ગોધરા, પંચમહાલ, વડોદરા, ઉત્તર ગુજરાત , મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં બસો દોવાડાઇ હતી. મોબાઇલના જમાનામાં ૩,૨૫,૦૮૦ ટિકિટોનું રિઝર્વેશન મુસાફરોએ મોબાઇલ થકી કરાવ્યું હતું. જેના  થકી  નિગમને  ૫,૯૭,૩૦,૨૩૭ રૂપિયાની આવક થઇ હતી. સામે કોઇપણ જાતની રઝળપાટ વગર , લાઇનમાં ઉભા રહ્યા વગર કે સમય બગાડયા વગર જ મુસાફરોએ આંગળીને ટેરવે તેમની ટિકિટ રિઝર્વેશન કરાવી લીધી હતી.બીજી તરફ ૧,૭૦,૭૯૭ લોકોએ જેતે બસ મથકે જઇને કાઉન્ટર પરથી તેમની ટિકિટ બુક કરાવી હતી. વિભાગવાર વાત કરીએ તો અમદાવાદ વિભાગમાંથી ૧,૦૦,૬૪૨ સીટો બુક થવા પામી હતી. જુનાગઢમાં ૭૩,૬૭૦, ભાવનગરમાં ૭૨,૨૫૯, રાજકોટમાં ૭૦,૭૨૦, અમરેલીમાં ૬૭,૩૩૦ ટિકિટ બુક થવા પામી હતી.