છોટા ઉદેપુર જીલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઇવે ૫૬ સાવ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. જેને લઈને જીલ્લાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ગયો છે. આ રોડ છેલ્લા એક વર્ષથી આવી હાલતમાં છે પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હોવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે.

       છોટા ઉદેપુર જીલ્લાની જીવાદોરી મનાતો નેશનલ હાઇવે ૫૬ ફેરકુવા સરહદથી નસવાડીના દેવળીયા ચોકડી સુધી જીલ્લાની હદમાં આવે છે. આ રસ્તો નસવાડી, બોડેલી, સંખેડાથી જીલ્લા મથક છોટા ઉદેપુરને જોડતો રસ્તો છે. આ નેશનલ હાઈવે લગભગ ૧૦૦ કીલોમેટરની લંબાઈ છોટા ઉદેપુર જીલ્લામાં ધરાવે છે. પરંતુ ૬૦ કિલોમીટર જેટલો રસ્તો સાવ ખખડધજ થઈ ગયો છે. મોટા મોટા ખાડા રોડ ઉપર પડી જતાં લોકોને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. આ રસ્તા પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, જેઓને બોડેલીથી પાવી જેતપુર જવા માટે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બની ગયું છે. આ જ રસ્તા પરથી ૧૦૮ ઈમરજન્સી સેવા પણ રસ્તેથી મોટે ભાગે પસાર થાય છે. જેને પણ સમય ખૂબ લાગતા દર્દીને સારવાર માટે ખૂબ જ સમય વેડફાય છે. જેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા ઉપરથી પસાર થતી વખતે દરેક રાહદારીને ભગવાન યાદ આવી જાય તેવો રસ્તો બની ગયો છે. આ રસ્તા પરથી દરરોજ જીલ્લાના ઉચ્ચ અધીકારીઓ પસાર થાય છે, પરંતુ છેલ્લા એક વર્ષ જેટલા સમયથી ખખડધજ રસ્તો હોવા છતાં આજદીન સુધી રીપેર કરવાની વાત તો ઠીક ઠીંગળું સુધ્ધાં માર્યું નથી, જેના કારણે જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

         જીલ્લાનો એક માત્ર રસ્તો કે જે રસ્તા પર સૌથી વધુ ટ્રાફિક રહે છે તે જ રસ્તા પર ખાડાની ભરમાર જોવા મળતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જેથી વહેલી તકે નવો રસ્તો બને તે પ્રજહિતમાં ખૂબ જરૂરી બન્યું છે.