બનાસકાંઠા જિલ્લાના દિયોદરના મુલકપુર પાસે આજે પોલીસ પર હુમલો કરીને કબજામાંથી એક યુવતીને અજાણ્યા શખ્સો ઉઠાવી જતા ચકચાર મચી છે. યુવતીએ થોડા સમયે પહેલા કરેલા પ્રેમલગ્નના કારણે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે યુવતીની અને તેને લઈ જનારા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ અંગે દિયોદરના ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, યુવતીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા.જે લગ્નથી નારાજ તેમના પરિવારજનો યુવતીને સમજાવીને ઘરે પરત લાવ્યા હતા અને અન્ય જગ્યાએ પરણાવી દીધી હતી. પરંતુ, છોકરી જે યુવકને પ્રેમ કરતી હતી તેના જલ સાથે રહેવા માગતી હોય તે પ્રેમલગ્ન કરનાર યુવક પાસે પહોંચી ગઈ હતી. જેથી યુવતીના પરિવારજનોએ પોતાની દીકરી ગુમ હોવાની સિહોરી પોલીસ સ્ટેશનમાં અરજી આપતા યુવતીએ પણ પોલીસને અરજી આપી જણાવ્યું હતું કે, તે પોતાની મરજીથી યુવક સાથે રહે છે. આ મામલે યુવતીનું નિવેદન લેવા માટે દિયોદર પોલીસ બીટના એક મહિલા સહિત બે પોલીસકર્મી યુવતીને લઈને સિહોરી પોલીસ સ્ટેશન જવા નીકળ્યા હતા.

પોલીસ યુવતીને અને યુવકને લઈને સિહોરી પોલીસ સ્ટેશન જઈ રહી હોવાની યુવતીના સંબંધીઓને જાણ થતા દિયોદરના મુલકપુર પાસે યુવતી અને પોલીસ જે વાહનમાં હતા તે વાહનને આરોપીઓએ આંતરી ઉભું રખાવ્યું હતું. ત્યારબાદ વાહનમાં તોડફોડ કરી પોલીસકર્મીઓને પણ માર માર્યો હતો. પોલીસકર્મીઓના કબજામાંથી યુવતીને છોડાવીને આરોપીઓ પોતાની કારમાં બેસાડીને ઘટનાસ્થળ પરથી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

આ સમગ્ર બનાવને નજર નિહાળનાર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે, એક સિહોરી બાજુથી કાર આવી હતી જેમાં 6 થી 8 લોકો હતા. તેઓ નીચે ઉતર્યા હતા અને કારમાં બેસેલી યુવતીને ઉઠાવી પોતાની કારમાં બેસાડી દીધી હતી. અજાણ્યા શખ્સોએ પોલીસકર્મીઓ અને યુવક સાથે મારામારી કરી કારમાં તોડફોડ કરી હતી અને બાદમાં દિયોદર બાજુ નાસી ગયા હતા.