અમદાવાદ

ચોમાસાની સિઝન જામી છે અને મચ્છરજન્ય રોગચાળો અને મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. ત્યારે શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો જોવા મળ્યો છે. કોર્પોરેશનમાં આંકડા મુજબ જુલાઇ મહિનામાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. હેલ્થ અધિકારી ભાવિન સોલંકી એ રોગચાળાની માહિતી આપતા જણાવ્યુ હતું કે પાણીજન્ય રોગોમાં વધારો જોવા મળ્યો છે. જેમાં 23 દિવસમાં 600 જેટલા ઝાડા ઉલ્ટીના કેસો જોવા મળ્યા છે જેને ધ્યાનમાં રાખી ને અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. હાલમાં 700 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. ખાસ કરીને રોગચાળો પૂર્વ વિસ્તાર અને કોટ વિસ્તારમાં વધુ જોવા મળે છે. ચાલુ મહિને પાણીજન્ય રોગો જોઈએ તો ઝાડા ઉલ્ટીના 615, કમળાના 193 કેસ, ટાઇફોડના 165 કેસ નોધાયા છે મચ્છરજન્ય રોગોમાં મેલેરિયા 46, ડેન્ગ્યુના 21, ચીકનગુનીયા 8 અને ઝેરી મેલેરિયા 2 કેસ નોધાયા છે. 
 
આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી જે સેમ્પલ લીધા હતા તેમાંથી 40 જેટલા સેમ્પલ અનફીટ આવ્યા જાહેર થયા છે. જ્યાં પણ સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં ત્યાં પાણીની પાઇપો બદલવાની અને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ક્લોરીનની ગોળીઓની વહેંચણી પણ કરવામાં આવી રહી છે.ઝાડા ઉલ્ટીના કેસો વધુ છે ત્યાં ઑ આર એસના પાઉચ પણ વહેંચવામાં આવી રહ્યા છે. અનેક ઘરમાંથી પાણી સાથે ડ્રેનેજનું પાણી મિક્સ આવી રહ્યું છે તો ક્યાંક કેમિકલવાળું પાણી આવતા લોકોમાં પેટનો દુખાવો અને ઝાડા ઉલ્ટીના કેસો વધી રહ્યો છે.