અમદાવાદ
બ્રોકરિંગના વેપારમાં દેવુ થઈ ગયું હોવાના કારણે 31 વર્ષીય યુવકે સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મેમનગરના સાથી એપાર્ટમેન્ટમાં રહેતો 31 વર્ષીય અંકિત ભટ્ટ ધંધામાં દેવું થઈ જતાં માનસિક તણાવમાં હતો. ઘરેથી કામ અર્થે જવાનું કહીને નીકળ્યા બાદ તેણે સાબરમતીમાં કૂદીને આપઘાત કર્યો હતો. ગાંધી બ્રિજ પાસે તેનો મૃતદેહ તરતી હાલતમાં જોવા મળતા લોકોએ ફાયરબ્રિગેડ અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. અંકિતે આપઘાત પહેલા પિતાને મેસેજ કરી કહ્યું હતું કે, મને ગાંધી બ્રિજ નીચેથી લઈ જજો.
પોલીસની પ્રાથમિક તપાસમાં દેવુ થવાથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, 20 ઓગસ્ટના દિવસે અંકિતનો જન્મદિવસ હતો અને જન્મદિવસની ઉજવણી માટે પરિવાર પ્લાન પણ કરી રહ્યો હતો, પરંતુ અચાનક આવા સમાચાર મળતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.