અમદાવાદ

ગુજરાત એટીએસએ વડોદરાના સાવલીમાંથી 1125 કરોડનું એમડી ડ્રગ્સ કબજે કર્યું છે ત્યારે બીજા દિવસે અમદાવાદ ગ્રામ્ય એસોજીએ એમડી ડ્રગ્સનું સેવન કરવા માટે મોરબીથી અમદાવાદ ડ્રગ્સ લેવા માટે આવેલા ત્રણ યુવકોની ધરપકડ કરી લીધી છે.મહત્વનું છે કે, ત્રણેય યુવકો માત્ર ડ્રગ્સ લેવા માટે મોરબીથી આવ્યા હોવાની માહિતી સામે આવી છે. જેમની પાસેથી 1.62 લાખનું એમડી ડ્રગ્સ પણ કબ્જે કરવામાં આવ્યું છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ અમદાવાદના જુહાપુરાના રેહવાસી એક વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લીધું હોવાની વાત સામે આવી રહી છે. જેને પકડવા એસઓજીએ કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ ગ્રામ્ય એસઓજીને માહિતી મળી હતી કે, 3 યુવકો કરણ પીઠડીયા, મિતુલ આદરોજા અને મહાવીર બારડ અમદાવાદથી ધાંગધ્રાની ખાનગી ટ્રાવેલ બસમાં પેસેન્જર તરીકે બેસીને મુસાફરી કરવાના છે, જેમની પાસે ડ્રગ્સ જેવી વસ્તુઓ છે. જેથી તે માહિતીના આધારે ગ્રામ્ય એસઓજીએ વિરમગામ જતાં હાઇવે તરફ છારોડી કેનાલ પાસે ઊભા રહી બસ આવતા તપાસ કરતાં આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.પોલીસે તપાસ કરતાં આરોપી પાસે 1.62 લાખનું ડ્રગ્સ મળી આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ ડ્રગ્સનું સેવન કરે છે અને આ ડ્રગ્સનું સેવન કરવા માટે મોરબીથી અમદાવાદ આવ્યા હતા અને જુહાપુરાના એક વ્યક્તિ પાસેથી ખરીદ કરી હતી.હાલ આ મામલે એસઓજી તપાસ કરી રહી છે કે, અમદાવાદનો આરોપી કોણ છે અને તે આ ડ્રગ્સ ક્યાંથી લઈને આવ્યો હતો.