કેહવાય છે કે ખેડાની ધરતીમાં જ ખમીર છે. અંગ્રેજોના શાસનકાળમાં ભારતના સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન ખેડાના ‘માતર’નું યોગદાન નોંધપાત્ર રહ્યું છે.
જ્યારે મહાત્મા ગાંધીજીએ ૧૨મી માર્ચ, ૧૯૩૦ના રોજ મીઠાના સત્યાગ્રહની લડત દરમિયાન ઐતિહાસિક દાંડીયાત્ર યોજી હતી ત્યારે તેમની સાથે તેમના ચુનંદા દાંડીયાત્રીઓએ અમદાવાદ સાબરમતી આશ્રમથી સુરત પાસે ‘દાંડી’ સુધી જવા પગપાળા પ્રસ્થાન કર્યું હતું.
આ સમયે આ દાંડીયાત્રાના અદના સેનાની તરીકે માતરના લોકસેવક સ્વ. માધવલાલ શાહ પણ આ દાંડીયાત્રામાં જોડાયા હતા. મહાત્મા ગાંધીજી તેમના દાંડીયાત્રીઓ સાથે વાસણા થઈ ૧૪મી માર્ચ, ૧૯૩૦ના રોજ વાત્રક નદી વટાવી માતર આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. માતર ગ્રામપંચાયત પાછળની વૈષ્ણવોની જૂની ધર્મશાળામાં મહાત્મા ગાંધીજીએ રાત્રિરોકાણ કર્યું હતું.
માતરમાં તે સાંજે ગાંધીજીએ પ્રાર્થનાસભા કરી હતી. બીજા દિવસે સવારે ગાંધીજીએ દાંડીયાત્રીઓ સાથે નડિઆદ તરફ જવા પ્રસ્થાન કર્યું હતું. આજે પણ આ ઐતિહાસિક ઘટનાક્રમની સ્મૃતિમાં માતરમાં દાંડીયાત્રા હેરિટેજ રોડ છે અને ગાંધીજીની દાંડીયાત્રાની ઝાંખી કરાવતું યાત્રીનિવાસ અને સ્મૃતિભવન પણ બનાવાયું છે.
ઉલ્લેખનિય છે કે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ થી ૧૫ ઓગસ્ટ-ર૦રરના સમયગાળામાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે "હર ઘર તિરંગા" કાર્યક્રમ યોજાવાનો છે. ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે એક રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં જ્યારે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્રની આઝાદીની ચળવળમાં અગ્રણી રહેલા ખેડા જિલ્લાના સ્વાતંત્ર સેનાનીઓ, ક્રાંતિકારીઓ તથા સ્વતંત્રતા ચળવળના સ્મૃતિ સ્થળોની યાદ ઉજાગર કરીને જિલ્લાના નાગરિકોના હૈયે દેશ પ્રેમ છલકાય છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગ અને વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે