પાટણના નાનીસરાય વિસ્તારમા અનોખું ઐતિહાસિક રાધાકૃષ્ણ મંદિર જ્યાં સાતમની રાત્રે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો.....
જન્માષ્ટમી ની ઉજવણી સાતમની મધ્યરાત્રે આઠમ બેસતાં ઉજવી આઠમની રાત્રે પણ આરતી કરાયા બાદ નોમ ના દિવસે મહાપ્રસાદ કરી ભક્તો ઉપવાસ છોડે છે.
સમગ્ર ગુજરાત અને દેશભરમાં જન્માષ્ટમી મહોત્સવ શ્રાવણ વદ આઠમની રાત્રે ઉજવવામાં આવે છે. ત્યારે પાટણ શહેર ના નાનીસરાય વિસ્તાર ખાતે આવેલા કંથરાવિયા નાનીસરાય પરિવાર ના ઐતિહાસિક રાધાકૃષ્ણ મંદિરમાં શ્રાવણ વદ સાતમની મધ્યરાત્રીએ ભગવાનને પારણે ઝુલાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવતી હોવાની સાથે સાથે રાજ્યમાં અને દેશમાં આ એક માત્ર અનોખું ઐતિહાસિક રાધાકૃષ્ણ નું મંદિર હોવાનું મહોલ્લા ના રહિશ અને સ્થાનિક કોર્પોરેટર બીપીન ભાઈ પરમારે જણાવ્યું હતું.
આ મંદિર વિશે માહિતી આપતા તેઓએ જણાવ્યું હતુ કે પાટણ શહેરના નાનીસરાય ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિરમાં પહેલા ખેંગારસ્વામી બાપુ રહેતા હતા ત્યારે તેમને વર્ષો પહેલા આ રાધાકૃષ્ણ નાં મંદિર ની સ્થાપના કરી હતી અને જન્માષ્ટમી ની ઉજવણી શ્રાવણ વદ સાતમની રાત્રે બાર ને પાંચ કલાકે આઠમ બેસતાં ભગવાન કૃષ્ણને સ્નાન કરાવી રાધા કૃષ્ણને સોના-ચાંદીના આભૂષણ અને શણગાર સજાવી ઢોલ નગારા સાથે આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનને પારણામાં બેસાડી ઝૂલાવવામાં આવેલ જેનો લ્હાવો આખા પાટણ શહેર વિસ્તારના અને મહોલ્લાના લોકો લીધેલ અને બીજા દિવસે આઠમના રોજ સવારે નવ કલાકે આરતી માટે ઉછામણી કરી આઠમની રાત્રે બાર વાગે ભગવાનના જન્મ સમયે પણ આરતી કરી ભગવાન નું પારણું ઝૂલાવવામાં આવેલ અને નોમના દિવસે બપોરે આરતી કરી મહાપ્રસાદ લઈ પરિવાર ના સભ્યો દ્વારા રાખેલ ઉપવાસ છોડવામા આવે છે.
ઉપરોક્ત વર્ષો ની પરંપરા આજે પણ આ મંદિર પરિસર ખાતે નિભાવી ભક્તો જન્માષ્ટમી પર્વની ઉજવણી સાતમના દિવસે કરી રહ્યા છે.
વધુ માં તેઓએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં આ જૂનામાં જૂનું મંદિર ગણાય છે જ્યાં પાછલી ઘણી પેઢીઓથી સાતમ ની રાત્રે જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવે છે. તો રાધાકૃષ્ણ મંદિરમાં કંથરાવિયા નાનીસરાય પરિવાર ના ગુરૂઓ પૂજ્ય રામપુરી બાપુ, ખેંગારસ્વામી બાપુ
અને ગુરૂ મહારાજ ભીખનશા પીર બાપુ ની સમાધી આવેલી છે. જે ઇતિહાસ જોતાં ત્રણસો વર્ષ અગાઉ જે ઘર માં પુત્ર જન્મે તેના સવા મહિના માં તેના પિતા નું મોત થઈ જતું હતું જેના કારણે વંશવેલો આગળ વધતો ન હતો ત્યારે પરિવાર નાં વડવાઓએ ભીખનશા પીર બાપુ, ખેંગારસ્વામી બાપુ અને રામપુરી બાપુ આ ત્રણેય ગુરૂઓને મળી આ મુશ્કેલી દૂર કરવા નમન કરતાં ગુરૂ મહારાજ ભીખનશા પીરે કહ્યું હતું કે આજથી તમારા પરિવાર માં કોઈએ દારૂ નું વ્યસન ન કરવુ તેવું વચન માંગેલ અને તે વચન વડવાઓને આપવામાં આવેલ ત્યાર થી નાનીસરાયના એક જ બાપના એક સો આઠ ઘરનાં પરિવારમાં કોઈ આજની તારીખે વ્યસન કરતું નથી તેમજ જો કોઈ ગુરૂઓ ના વચન નો ભંગ કરશે તો તેમણે અપાર મુશ્કેલીઓ પડશે તેમ અમારા વડવાઓ અમને કહ્યું હતું.
આ 108 ઘર ના પરિવાર ના સભ્યો સાતમ થી નૌમ ત્રણ દિવસ ઉપવાસ રાખે છે અને નોમ ના દિવસે મહાપ્રસાદ લઈ ઉપવાસ છોડે છે.
આ અનોખા ઐતિહાસિક રાધાકૃષ્ણ મંદિરે અમદાવાદ, સુરત ,મહેસાણા, સહિત ગુજરાત માં રહેતા કંથરાવિયા નાનીસરાય પરિવાર ના સભ્યો સાતમ ના દિવસે આવી જન્માષ્ટમી ની ઉજવણી કરી આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવ કરે છે.