આ વખતે ઉત્તર ભારતનો મોટો વિસ્તાર વરસાદ માટે તડપ્યો છે. જો કે આ દરમિયાન હવામાન વિભાગે રાહતની આગાહી કરી છે. IMD અનુસાર, આગામી એક સપ્તાહમાં ચોમાસું ઉત્તર તરફ વળે તેવી શક્યતા છે. આ પછી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પૂરતો વરસાદ થઈ શકે છે.
મંગળવારની વાત કરીએ તો દેશમાં સામાન્ય કરતાં 11 ટકા વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે પૂર્વોત્તરમાં સામાન્ય કરતાં 14 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સોમવાર સુધી ઉત્તર પ્રદેશમાં સામાન્ય કરતાં 45 ટકા ઓછો વરસાદ થયો છે. તે જ સમયે, બિહાર અને ઝારખંડની સ્થિતિ લગભગ સમાન છે. હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું એક અઠવાડિયા પછી ઉત્તર તરફ વળશે અને વરસાદની ગતિવિધિ વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમમાં લો પ્રેશરનું ક્ષેત્ર યથાવત છે. જેના કારણે ઉત્તર ભારતમાં સારો વરસાદ પડી શકે છે. તે જ સમયે, 28 જુલાઈથી, હિમાલયન ક્ષેત્રમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ બની શકે છે.
પૂર્વ રાજસ્થાન અને આજુબાજુના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન ચાલુ છે. આવી સ્થિતિમાં 27થી 30 જુલાઈ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની આશંકા છે. આ સિવાય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ 26 થી 30 જુલાઈ દરમિયાન વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ, બિહારમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. 28 જુલાઈએ દિલ્હીમાં પણ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એમ મહાપાત્રાએ કહ્યું, ‘હવે દેશમાં વરસાદમાં ઘટાડો થશે, પરંતુ ઉત્તર ભારતમાં વરસાદનું પ્રમાણ વધશે. નબળા ચોમાસાની અસર એક સપ્તાહમાં ખતમ થવી જોઈએ. તેમણે કહ્યું કે સારું છે કે ચોમાસું ઉત્તર તરફ વળશે અને જ્યાં પૂરની સ્થિતિ છે ત્યાં લોકોને રાહત મળશે.