ગરબાડામાં જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી, નગરમાં ઠેર ઠેર મટકી ફોડવામા આવી.
ભગવાન ભોલેનાથની ભક્તિનો માસ એટલે પવિત્ર શ્રાવણ માસ અને આ માસમા તહેવારોની ભરમાળ વચ્ચે આવતી શ્રાવણ વદ આઠમ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ એટલે, જન્માષ્ટમી, જન્માષ્ટમીના પર્વનો સમગ્ર દેશમા ભારે ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામા આવે છે.
પવિત્ર શ્રાવણ માસમા હિન્દુ ધર્મના વિવિધ તહેવારોમા સૌથી વિશેષ મહત્વ ધરાવતા જન્માષ્ટમી પર્વની ગરબાડા પંથકમા " નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી'' ના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાભેર ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામા આવી હતી.
જન્માષ્ટમી પર્વ લઈને ગરબાડા નગર મધ્યે આવેલ શ્રી રામજી મંદિર તથા પંથકના અન્ય મંદિરોને સાજ શણગાર કરવામા આવ્યા હતા. ગરબાડામા શ્રી રામજી મંદિરે રાત્રીના સમયે ભજન કીર્તન બાદ રાત્રે બાર વાગ્યાના ટકોરે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલકી ના ગગનભેદી નાદ સાથે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામા આવ્યો હતો અને ભક્તોએ ભગવાનને પારણે ઝુલાવ્યા હતા, અને ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારવામા આવી હતી, જેને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યુ હતુ અને ભક્તજનો ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવનો લ્હાવો લઈ ધન્ય થયા હતા.
જન્માષ્ટમી પર્વને લઈને ગામના યુવાનોમા પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગામના યુવાનો દ્વારા ગામમા ઠેર ઠેર મટકીઓ બાંધવામા આવી હતી અને રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ બાદ ગામમા ડીજે સિસ્ટમના તાલે ઠેર-ઠેર મટકી ફોડનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો, જેમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને ઠેર ઠેર મટકી ફોડવામા આવી હતી.