સુરતઃ કતારગામ વિસ્તારમાં 21 જાન્યુઆરીની રાતે ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોરે વિશેષ હાજરી આપી હતી. તેમણે સમાજના લોકોને સંબોધતાં જણાવ્યું હતું કે, એસઆઇઆરની કામગીરી અંતર્ગત તમામ સમાજના લોકોની નામ નોંધણી કરવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવી જોઈએ. જો લોકોએ સુરતમાં ધંધા-રોજગાર માટે કાયમી રહેવું હોય તો તેઓ સુરતમાં પોતાનું નામ ટ્રાન્સફર કરાવી શકે છે. ઠાકોર સમાજના લોકોએ ખાસ ચકાસણી કરવી જોઈએ કે તેમનું નામ આ યાદીમાં છે કે નહીં. આ સાથે તેમણે ભાજપ સાંસદ ગોવિંદ ધોળકિયાનાં વખાણ પણ કર્યાં હતાં.
રત્નકલાકારોને આર્થિક સહાય માટે રજૂઆત કરીશ
સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અંગે ગેનીબહેને ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે નિવેદન આપ્યું કે, સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે, જેના કારણે રત્નકલાકારોના પરિવારોને આર્થિક રીતે મોટી અસર થઈ છે. ગેનીબહેને ખાતરી આપી હતી કે તેઓ આ ગંભીર બાબતે સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે હું તમામ પુરાવા સાથે નાણામંત્રી સમક્ષ રત્નકલાકારોને આર્થિક સહાય મળે એે માટે રજૂઆત કરીશ, જેથી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને થોડી રાહત મળી શકે.
સુરત રાજ્યની આર્થિક રાજધાની
ગેનીબહેન ઠાકોરે સુરતના વિકાસ અને એના ‘સ્ટેટસ’ વિશે વાત કરતાં કહ્યું હતું કે, સુરતમાં રહેવું એક ગૌરવ અને સ્ટેટસ ગણાય છે. સુરતમાં કોઈપણ નાનો-મોટો ધંધો કે રોજગાર કરવો પ્રતિષ્ઠાની વાત છે. તેમણે સુરતની સરખામણી મુંબઈ સાથે કરતાં જણાવ્યું કે, જેમ મુંબઈ દેશની આર્થિક રાજધાની છે એેમ સુરત સમગ્ર ગુજરાતની આર્થિક રાજધાની છે. અહીં વસતી દરેક વ્યક્તિએ પોતાની મહેનતથી પોતાની ઓળખ ઊભી કરી છે, જે ખરેખર પ્રશંસનીય છે.
સુરતમાં ગેનીબહેને ભાજપ સાંસદ ગોવિંદ ધોળકિયાનાં વખાણ કર્યાં