ગાંધીનગરઃ જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે મહેન્દ્રભાઈ પટેલની પશુપાલન વિભાગ દ્વારા પસંદગી કરાઈ છે. 80 ગાય રાખી મહેન્દ્ર પટેલ હાલ પશુપાલન દ્વારા દરમહિને ખર્ચ કાઢતાં રૂ. 1 લાખ આસપાસનો નફો મેળવી રહ્યા છે.
2 ગાયની શરૂઆત 80 ગાય સુધી પહોંચી
મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજથી 13 વર્ષ પહેલાં મેં અને મારા ભાઈ રમેશભાઈ દ્વારા 2 ગીર ગાયથી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. તે વખતે અમે અમારા પરિવારને શુદ્ધ દૂધ મળી રહે તે માટે પશુ લાવ્યા હતા. 2 ગાય લાવ્યા પણ દૂધ ઓછું પડવા લાગ્યું, એટલે બીજી 5 ગાય લાવ્યા પછી પાછું ગાયનું દૂધ ઓછું આવવા લાગ્યું એટલે બીજી 2 ગાય લાવ્યા એમ કરતાં કરતાં આજે 13 વર્ષ પછી 80 ગાયો છે.
મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ વ્યવસાયમાં માણસોની થોડી તકલીફ પડે. હાલમાં જે માણસો ઉચ્ચક રાખ્યા છે, તેમનો પગાર રૂ. 1.30 લાખ જેટલો છે. અને દરમહિને રૂ. 2.5 લાખથી 3 લાખ સુધીનું મારું ઉત્પાદન છે.
હાલમાં રોજનું 120 લિટર જેટલું દૂધ થાય છે અને એક લિટર દૂધ રૂ. 100માં વેચાણ કરીએ છીએ. હાલમાં અમે માત્ર ઓળખીતાઓમાં જ આ દૂધનું વેચાણ કરીએ છીએ અને જો દૂધ વધે તો તેમાંથી ઘી બનાવી તેનું રૂ. 3000 પ્રતિકિલો વેચાણ કરીએ છીએ.