વનવાસી B.Ed. કૉલેજમાં 'સ્ટ્રે લેસન' કાર્યક્રમનું સફળ આયોજન: તાલીમાર્થીઓએ આપ્યા પ્રત્યક્ષ પાઠ

         વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત બી.એડ. કૉલેજ, પાવીજેતપુરના સેમેસ્ટર-૧ના તાલીમાર્થીઓ માટે 'સ્ટ્રે લેસન' કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તા. ૧/૧૨/૨૦૨૫ થી ૫/૧૨/૨૦૨૫ દરમિયાન પુનિયાવાંટ મોડેલ સ્કૂલ કેમ્પસમાં યોજાયો હતો, જેમાં ભાવિ શિક્ષકોએ શાળાઓમાં જઈને પ્રત્યક્ષ પાઠ આપવાનો અનુભવ મેળવ્યો હતો.

અભ્યાસક્રમ અંતર્ગત, તમામ તાલીમાર્થીઓએ પુનિયાવાંટ મોડેલ સ્કૂલ કેમ્પસમાં આવેલ અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા, મલાજા, કીડીઘોઘાદેવ, ખડકવાડા અને મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓને પાઠ ભણાવ્યા હતા. પાઠની સાથે-સાથે તાલીમાર્થીઓ દ્વારા વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર કેશ ગુંથણ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા અને મેંહદી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમજ અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં કૉલેજના તમામ તાલીમાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. કૉલેજના આચાર્ય શ્રી ડી. બી. પટેલ અને સમગ્ર સ્ટાફ હાજર રહીને તાલીમાર્થીઓના પાઠનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે તમામ તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, જેનાથી ભાવિ શિક્ષકોનો આત્મવિશ્વાસ વધ્યો હતો.

         આ સ્ટ્રે લેસન કાર્યક્રમ તાલીમાર્થીઓને શિક્ષણના પ્રત્યક્ષ અનુભવ સાથે જોડીને તેમને વ્યવસાયિક રીતે સજ્જ કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો.