બનાસકાંઠામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ

પાલનપુર માં રાજકીય પક્ષો સાથે જિલ્લા ચૂંટણી અધિકારીની બેઠક

બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) શરૂ થઈ છે. આ સંદર્ભે પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ હતી.


ભારત ના ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે આ ઝુંબેશનું સમય પત્રક જાહેર કર્યું છે. બેઠક માં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ SIR ના વિવિધ તબક્કાઓ વિશે માહિતી આપી હતી, 4 નવેમ્બર, 2025 થી 4 ડિસેમ્બર, 2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે જઈને મતદારો પાસેથી એન્યુમરેશન ફોર્મ ભરાવશે ત્યાર બાદ 9 ડિસેમ્બર, 2025 ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

મતદારો 9 ડિસેમ્બર, 2025 થી 8 જાન્યુઆરી, 2026 સુધી સુધારા માટે દાવો કરી શકશે, દાવાઓ ની સુનાવણી અને પ્રમાણિકરણ 9 ડિસેમ્બર, 2025 થી 31 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે..

આખરી મતદાર યાદીમાં મતદારો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે, મતદાર તરીકે સમાવેશ માટે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણ પત્ર સહિત કુલ 12 દસ્તાવેજો માન્ય ગણાશે. મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા રહે તે માટે સ્વયં સેવક જૂથોની મદદ પણ લેવામાં આવશે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ BLO ની કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી SIR બાબતે 30 ઓક્ટોબર ના રોજ બનાસકાંઠા જિલ્લામાં ERO અને AERO માટે તાલીમ નું આયોજન કરાશે આ ઉપરાંત, 3 નવેમ્બર સુધીમાં તમામ BLO સુપરવાઈઝર, BLO અને BLA ની તાલીમ પૂર્ણ કરવામાં આવશે, આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.