હિંમતનગર: (રાહુલ પ્રજાપતિ)
હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મહાદેવપુરા ગામે રહેતા ખેડૂતો સાથે ચાર દિવસ અગાઉ ખેતરમાં પાણી વાળેલ હોવા છતાં ટ્રેકટર લઈને જવા બાબતે ઠપકો કરતા મામલો ગરમાયો હતો. ત્યારબાદ ચારેય જણાએ ઉશ્કેરાઈ જઈ ગામના એક રહીશ પર હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ મંગળવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.
આ અંગે મહાદેવપુરા(ભાથીખત્રી) ગામે રહેતા લક્ષ્મીબેન નરેશસિંહ ચૌહાણે નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા. ૫ ઓક્ટોબરના રોજ સવારના સુમારે તેમના ખેતરમાં પાણી વાળેલુ હોવા છતાં ગામમાં રહેતા ઈન્દ્રસિંહ કનુસિંહ ચૌહાણ ખેતર ખેડવા માટે ટ્રેકટર લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રેકટર લઈને નીકળતા નહી તેમ કહી લક્ષ્મીબેને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ ઈન્દ્રસિંહ ચૌહાણ, નિકેશસિંહ પૂજેસિંહ ચૌહાણ, ધવલસિંહ નિકેશસિંહ ચૌહાણ અને સજ્જનબેન કનુસિંહ ચૌહાણે એકસંપ થઈ આવ્યા હતા.
ત્યારબાદ આ ચારેય જણાએ કહ્યું હતુ કે અમો ટ્રેકટર લઈને નીકળવાના તમારાથી થાય તે કરી લેજો તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ લોખંડના ધારીયાથી રામસિંહ ભાયચંદસિંહ ચૌહાણ પર હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી
નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે લક્ષ્મીબેન ચૌહાણે ચારેય વિરૂધ્ધ મંગળવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.