હિંમતનગર: રાહુલ પ્રજાપતિ
દિવાળીના તહેવારોને આડે હવે થોડાક બાકી છે ત્યારે કેટલાક બુટલેગરો રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી પાસ પરમીટ વિના દારૂ અને બિયરનો જથ્થો સાબરકાંઠા થઈ અન્ય સ્થળે પહોંચાડવા માટે મથી રહ્યા છે ત્યારે સાબરકાંઠા એસઓજીએ બાતમીને આધારે બે દિવસ અગાઉ
હિંમતનગરના મોતીપુરા ઓવરબ્રિજ નીચેથી પસાર થતી ટર્બો ટ્રકના ચોરખાનામાંથી અંદાજે રૂા. ૬.૯૪ લાખથી વધુની કિંમતની અંદાજે ૨૪૩૦ દારૂ અને બિયરના ટીન ઝડપી લઈ એક જણાની અટકાયત કર્યા બાદ એસઓજીએ અંદાજે રૂા ૧૨.૯૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈને પકડાયેલા સહિત અન્ય બે વિરૂધ્ધ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે એસઓજીના ઈન્ચાર્જ પી.આઈ ડી.સી.સાકરીયા તથા તેમના સ્ટાફને ગત તા. ૬ ઓક્ટોબરના રોજ મળેલી બાતમી બાદ તેઓએ મોતીપુરા ઓવરબ્રિજ નજીક પેટ્રોલીંગ દરમ્યાન ટર્બો ટ્રક નં. આરજેકરજીએ ૬૫૯૮ શંકાસ્પદ જણાતા તેને ઉભી રખાવી હતી. ત્યારબાદ ટ્રકની ઝડતી લેતા તેમાં બનાવાયેલા ચોરખાનાની તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરના મળી ૨૪૩૦ બોટલ મળી આવી હતી. ત્યારબાદ ટ્રકના ચાલક સાવલારામ ધનારામ ચૌધરી(રહે.આગોર, તા.ચૌટાન) ની પુછપરછ શરૂ કરાઈ હતી.
જેમાં પકડાયેલા આ શખ્સ પાસ પરમીટ વિના દારૂ અને બિયરનો જથ્થો ટ્રકમાં મોકલનાર પ્રકાશ જાટ તથા દહેગામમાં દારૂનો જથ્થો લેવા આવનાર શખ્સની સામેલગીરી હોવાનું કબુલ્યું હતુ. જેથી એસઓજીના સ્ટાફે સાવલારામ ચૌધરીની અટકાયત કર્યા બાદ દારૂ-બિયરનો જથ્થો, ટ્રક અને મોબાઈલ મળી અંદાજે રૂા. ૧૨.૯૭ લાખનો મુદ્દામાલ કબજે લઈ ત્રણ જણા વિરૂધ્ધ હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.