હિંમતનગર: રાહુલ પ્રજાપતિ 

સાબરકાંઠા જિલ્લામાં અનેક વખત બુટલેગરો તથા દારૂની હેરાફેરી કરતા તત્વો પોલીસના હાથે ઝડપાઈ જાય છે ત્યારે આ દારૂ અને બિયરના જથ્થાને પોલીસતંત્ર ધ્વારા સીઝ કરવામાં આવે છે ત્યારબાદ ગોડાઉનોમાંથી તેનો નાશ કરવા માટે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી લેવાયા બાદ તેના પર રોલર ફેરવવામાં આવે છે ત્યારે બુધવારે હિંમતનગર એ,બી.ગ્રામ્ય અને ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા સાતેક મહિનામાં પકડાયેલો અંદાજે રૂા. ૧,૩૪,૮૫,૭૭ર નો વિદેશી દારૂ અને બિયરની અંદાજે ૩૫૩૧૮ બોટલો અને ટીન જથ્થાને બુધવારે વિરપુરની સીમમાં લઈ જવાયા બાદ અધિકારીઓની ઉપસ્થિતીમાં પકડાયેલ દારૂ અને બિયરના જથ્થા પર રોલર ફેરવીને નાશ કરાયો હતો.

ચારેય પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલ દારૂ અને બિયરના જથ્થા અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ બાદ નિયમને આધિન ગોડાઉનમાં રખાયેલ આ જથ્થાનો નાશ કરવા માટે કોર્ટ તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને કરાયેલી દરખાસ્ત બાદ તેની મંજૂરી મેળવ્યા પછી જથ્થાનો નાશ કરવામાં આવે છે ત્યારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અંદાજે ૩૦૪૮ બોટલ, એ.ડીવીઝનમાંથી ૧૬ હજાર તથા બી.ડીવીઝનમાંથી ૨૮૮ જ્યારે ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયેલ ૮૧૮૧ બોટલો મળી અંદાજે ૩૫૩૧૮ બોટલો તથા ટીનનો નાશ કરવામાં આવ્યો હતો.