દિવાળી પહેલા, લોકો પોતાના ઘરોને સાફ કરે છે અને રંગ કરે છે. દરેક વ્યક્તિનું ધ્યાન પોતાના ઘરોને ચમકદાર અને સુંદર બનાવવા પર હોય છે. પરંતુ આ ચમક પાછળ એક ગંભીર ખતરો છુપાયેલો હોઈ શકે છે. કારણ કે, રંગમાં સીસુ એટે કે લેડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.
ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવોલ્યુશન (IHME) અનુસાર, 2021 માં વિશ્વભરમાં સીસાના સંપર્કમાં આવવાથી 1.5 મિલિયન મૃત્યુ થયા હતા. યુનિસેફ દ્વારા પ્રકાશિત ટોક્સિક ટ્રુથ રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં ત્રણમાંથી એક બાળક સીસાના ઝેરથી અસરગ્રસ્ત બને છે. પેઇન્ટમાં સીસું એક મુખ્ય કારણ છે.
ભારતમાં ઘણા રંગોમાં સીસાનું સ્તર સલામત સ્તર કરતા અનેક ગણું વધારે હોવાનું જાણવા મળ્યું છે, જે બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે ગંભીર જોખમો ઊભું કરે છે. ટોક્સિક લિંક દ્વારા 2019 માં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતીય બજારમાં વેચાતા રંગોમાં સીસાનું સ્તર 189 પીપીએમ (પાર્ટ્સ પર મિલિયન) થી 109,289 પીપીએમ સુધીનું હતું. આ ભારત સરકાર દ્વારા નિર્ધારિત ધોરણ (90 પીપીએમ) કરતા વધારે છે.
તેથી, આજે કામના સમાચારમાં આપણે જાણીશું કે-
સીસું (લેડ) આપણા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે?
સલામત પેઇન્ટ કેવી રીતે પસંદ કરવો?
પ્રશ્ન: સીસું શું છે?
જવાબ : સીસું એક ઝેરી ધાતુ છે જે પૃથ્વીના પોપડામાં કુદરતી રીતે જોવા મળે છે. તેનો ઉપયોગ બેટરી, પેઇન્ટ, રંગો, ઘરેણાં, રમકડાં અને સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. લાંબા સમય સુધી, તેને વાહનના ઇંધણમાં પણ ઉમેરવામાં આવતું હતું, પરંતુ ભારત સરકારે 2000 માં બળતણમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, તેનો ઉપયોગ હજુ પણ કેટલાક વિમાનના ફ્યૂઅલમાં થાય છે.
સીસાનું ઉત્પાદન, ઉપયોગ અને નિકાલ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. આનાથી લોકોના સંપર્કમાં આવવાનું જોખમ વધે છે, કારણ કે સીસું પર્યાવરણમાં લાંબા સમય સુધી રહે છે.
પ્રશ્ન: રંગોમાં સીસું શા માટે ઉમેરવામાં આવે છે?
જવાબ: સીસાનો ઉપયોગ મુખ્યત્વે પેઇન્ટમાં ચમક વધારવા અને તેને ઘટ્ટ કરવા માટે થાય છે.