હિંમતનગર : રાહુલ પ્રજાપતિ 

દિવાળી પૂર્વે બુટલેગરો રાજસ્થાનથી પાસ પરમીટ વિના દારૂ અને બિયરનો જથ્થો સાબરકાંઠામાં થઈ ગુજરાતના અન્ય સ્થળે પહોંચાડી રહ્યા છે ત્યારે સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે શુક્રવારે હિંમતનગર તાલુકાના ગામડી નજીકથી એક કારમાં ભરી લઈ જવાતા રૂા. ૩ લાખના દારૂ અને બિયરના જથ્થા સાથે એકને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ એલસીબીએ દારૂની હેરાફેરી મામલે અન્ય ત્રણ સહિત ચાર વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી

 એલસીબીના પી.આઈ ડી.સી સાકરીયા તથા સ્ટાફના જણાવાયા મુજબ શુક્રવારે તેમનો સ્ટાફ ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે એવી બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક કારમાં પાસ પરમીટ વિના દારૂ અને બિયરનો જથ્થો લવાઈ રહ્યો છે. જે આધારે એલસીબીએ ગામડી નજીક નાકાબંધી કરીને બાતમી મુજબ આવી રહેલ કાર નં. આરજેર૭સીપી પર૩૩ ને ઉભી રખાવી હતી. ત્યારબાદ કારના ચાલક પાસે બેઠેલ ઈસમ પોલીસને જોઈ ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે કારના ચાલક રાહુલકુમાર શંભુલાલ પરમાર(રહે. સરેરા, તા.ખેરવાડા)ની અટકાયત કરી લીધી હતી.

પોલીસે તેની સાથે પુછપરછ કર્યા બાદ કારની ઝડતી લેતા તેમાંથી રૂા. ૩ લાખની કિંમતની દારૂ અને બિયરની મળી ૧૧૯૪ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે રૂા. પ હજારનો મોબાઈલ તથા કાર મળી અંદાજે રૂા. ૭.૦પ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. જે સંદર્ભે એલસીબીએ રાજસ્થાનના જગદિશ લક્ષ્મણ પરમાર, રાધે ભણાત, ટીનાભાઈ અને રાહુલ પરમાર વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.