પાવીજેતપુર વનવાસી સેવા સમાજ બી.એડ તાલીમાર્થીઓ તેજગઢ ભાષા કેન્દ્રની લીધી મુલાકાત

       પાવીજેતપુર વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ બી.એડ કોલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓએ અભ્યાસક્રમના ભાગરૂપે તેજગઢ સ્થિત ભાષા કેન્દ્રની એક દિવસીય મુલાકાત લીધી હતી.

     વિદ્યાર્થીઓ સવારે ૧૦ વાગ્યે ભાષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. સૌપ્રથમ ભાષા કેન્દ્રના પી.આર.ઓ. શ્રી નગીનભાઈ રાઠવાએ કેન્દ્રમાં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી તથા તમામ તાલીમાર્થીઓનો બાયોડેટા લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તાલીમાર્થીઓએ વાચા સંગ્રહાલયની મુલાકાત લીધી હતી, જ્યાં કોઓર્ડિનેટર શ્રી વિકેશભાઈ રાઠવાએ સંગ્રહાલયની વસ્તુઓ, આદિવાસી સંસ્કૃતિ તથા ભાષા કેન્દ્ર દ્વારા પ્રકાશિત વિવિધ પુસ્તકો અંગે માહિતી આપી હતી. આ અવસર પર વિદ્યાર્થીઓએ લોકનૃત્ય, લગ્નગીતો તથા આદિવાસી સંસ્કૃતિ સંબંધિત અન્ય કાર્યક્રમો સોફ્ટવેર મારફતે નિહાળ્યા હતા.

          વિદ્યાર્થીઓએ ભાષા કેન્દ્રની લાઇબ્રેરીની મુલાકાત પણ લીધી અને લાઇબ્રેરી ઇન્ચાર્જ પાસેથી પુસ્તકો તથા કાર્યપ્રણાલી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ ભાષા કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતા દવાખાનું, પ્રકાશન વિભાગ, કેળના પાન બનાવવાની પ્રક્રિયા, રૂની આંટીમાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા તથા વસંત શાળાના બાળકો સાથેની મુલાકાતે તાલીમાર્થીઓને મહત્વપૂર્ણ અનુભવ મળ્યો હતો. 

          આ સમગ્ર મુલાકાત દરમિયાન આચાર્ય ધર્મેન્દ્ર પટેલ, કુંજ રાઠવા, હંસાબેન રાઠવા મેડમ તથા ભાષા કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

       વિદ્યાર્થીઓ પોતાના ટિફિન સાથે લાવ્યા હતા અને સૌએ ભેગા મળી વનભોજનનો આનંદ માણ્યો હતો. આ રીતે ભાષા કેન્દ્રની મુલાકાત તાલીમાર્થીઓ માટે અત્યંત માહિતીસભર અને યાદગાર બની રહેવા પામી હતી.