અટલ- કલામ ભવન ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે દિગ્વિજય દિવસ નિમિત્તે “સ્ટુડન્ટ ફોર વન નેશન- વન ઇલેક્શન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે ગુજરાત ભરમાંથી આવેલ યુવા વિદ્યાર્થી નેતાઓને સંબોધતા રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન અભિયાનને જન- જન સુધી પહોંચાડવાનું કાર્ય દરેક યુવા કરે. દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે ના થવાના કારણે ૮૦ દિવસ આચાર સંહિતાનો અમલ રહે તેનાથી સરકારી નિર્ણયો પર રોક લાગે અને વિકાસ કાર્યોમાં વિલંબ થાય છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સેના, અર્ધસૈનિક દળ, પોલીસ તંત્ર, પ્રાથમિક શાળાના શિક્ષકો, સરકારના કર્મચારીઓનો સમય વેડફાય છે અને તેમની રોજિંદી પ્રવૃતિઓ કરી શકતા નથી. એક સાથે ચૂંટણી થાય તો ખર્ચમાં બચત થાય અને તે નાણા વિકાસના કાર્યોમાં ઉપયોગ કરી શકાય. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દેશ હિતમાં વન નેશન વન ઇલેક્શન માટે કટિબદ્ધ છે અને તેની સામે દેશ હિતના કોઈ પણ નિર્ણયનો વિરોધ કરવાની ફેશન વિપક્ષ દ્વારા બનાવી દેવામાં આવી છે. દરેક યુવા આ અભિયાનની સમગ્ર બાબતને ૫૦-૫૦ યુવાનો સુધી લઈ જઈને આ અભિયાનને જન આંદોલનમાં પરિવર્તિત કરવાની હાંકલ કરી હતી.

આ પ્રસંગે સંબોધતા યુવા નેતાશ્રી પ્રશાંત ભાઈ કોરાટે “છાત્ર શક્તિ રાષ્ટ્ર શક્તિ” ના નારા સાથે સૌ યુવા વિદ્યાર્થી નેતાઓનું સ્વાગત કર્યું હતું. શ્રી કોરાટે જણાવ્યું કે આઝાદી પછી સરદાર પટેલ સાહેબે જે રીતે ભારતને એકસૂત્રમાં પિરોવ્યુ તેવી જ રીતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા પોતાનું જીવન ખપાવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભારતના ટ્રાન્સફોર્મર છે. આગામી કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું કે ૧૭મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનશ્રીના ૭૫માં જન્મદિવસ નિમિત્તે નમો યુવા રન અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૧૦ સ્થળોએ મેરેથોનનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, તેમાં તમામ યુવાશક્તિને જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું. 

આજના આ પ્રસંગે વન નેશન વન ઈલેક્શનના પ્રદેશ કન્વીનર શ્રી ડૉ અનિલ પટેલે સમગ્ર રાજ્યમાંથી પધારેલ યુવા નેતાઓને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ૧૮૨ વિધાનસભામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન થકી ૬૦ હજારથી વધુ લોકોએ વન નેશન વન ઇલેક્શનની બાબતને ધ્યાન પર લીધી છે અને સકારાત્મક બાબતો પર એકમત થઈ રહ્યા છે. જીલ્લા- તાલુકા સ્તરે અભિયાન વિસ્તરણ પામી રહ્યું છે, સમાજના વિવિધ વર્ગમાં નાગરિકો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. દેશના યુવાઓનું સમર્પણ- સાહસ- શૌર્ય- સામર્થ્ય જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૨૦૪૭ સુધી વિકસિત ભારતના સંકલ્પને પરિબળ પૂરું પાડે છે. દેશની રાજનીતિનો આધાર યુવાઓ છે, દેશની રાજનીતિ બદલવાની તાકાત યુવાનોમાં રહેલી છે. સૌ યુવા નેતાઓ પોતાના વિસ્તારમાં વન નેશન - વન ઇલેક્શન અભિયાનમાં વધુમાં વધુ લોકોને જોડે તેવી અપીલ કરી હતી. 

ઉત્તરપ્રદેશના સાંસદશ્રી સુરેન્દ્ર સિંહ નાગરે સૌને સંબોધતા જણાવ્યું કે ભાજપ પાસે અત્યારે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં વન નેશન વન ઇલેક્શનનું બિલ પાસ કરાવવા માટેનું પૂરતું સંખ્યાબળ છે પરંતું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી વન નેશન વન ઈલેક્શન અભિયાનને જન આંદોલન બનાવી તે રાષ્ટ્ર માટે કેટલું જરૂરી છે તે બાબત સમાજના તમામ વર્ગો અને દેશના તમામ નાગરિકો સુધી લઈ જવા માંગે છે. વિપક્ષ આ બાબતે જે ભ્રાંતિઓ પ્રજા વચ્ચે ફેલાવી રહ્યા છે તેનો જવાબ દેશના યુવાઓ તેમને આપશે, દેશનો દરેક નાગરિક તેમને આપશે. સને ૧૯૬૭થી તત્કાલીન વડાપ્રધાનશ્રી ઇન્દિરા ગાંધીજીએ કલમ ૩૫૬નો દુરપયોગ કરીને રાજ્યોની ચૂંટેલી સરકારોને ઉથલાવી પાડવાનું કામ કર્યું હતું, તેના કારણે એક સાથે ચૂંટણીની પ્રથા ખોરવાઈ ગઈ હતી. સન ૧૯૮૪માં ચૂંટણી પંચે પણ ભલામણ કરી હતી અને ભાજપના સંકલ્પ પત્રમાં પણ ઘણાં સમયથી એક સાથે ચૂંટણી યોજવા માટેની બાબતને સમાવવામાં આવી રહી છે. સન ૨૦૨૩માં પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીના અધ્યક્ષ સ્થાને બનાવેલી કમિટીએ પોતાનો રિપોર્ટ રજૂ કરીને એક સાથે ચૂંટણી યોજવાના કારણો રજૂ કર્યા હતા. 

એક સાથે ચૂંટણી યોજવાથી ચૂંટણીલક્ષી ખર્ચમાં ઘટાડો, શિક્ષકો વિદ્યાર્થીઓ પર પૂરું ધ્યાન આપી શકશે, પર્યાવરણની જાળવણી થશે. ચૂંટણી ખર્ચના અપવ્યય ના સામે શિક્ષાનું બજેટ ૩૩% અથવા આરોગ્યનું બજેટ ૫૦% સુધી વધારી શકાશે. એક મતદાતા સૂચિના અને વધુ મતદાનથી લોકતંત્ર મજબૂત બનશે તેમ જણાવ્યું હતું. દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સૌ યુવાનો આગળ આવીને એક દેશ- એક ચુનાવનું સંકલ્પ લેવું જોઈએ તેવી અપીલ કરી હતી અને છાત્ર સંગઠનો દ્વારા નાના- નાના કાર્યક્રમો દ્વારા સમાજ વર્ગમાં વન નેશન- વન ઇલેક્શન અભિયાનને જન- જન સુધી પહોંચાડવા હાકલ કરી હતી.