જામનગર: સ્કૂટર સ્લિપ થતાં બ્રાસના સ્પેરપાર્ટના વેપારીનું કરુણ મોત
જામનગરમાં એક દુર્ભાગ્યપૂર્ણ બાઈક અકસ્માતમાં બ્રાસ પાર્ટના વેપારીનું મૃત્યુ થયું છે. મૃતક હરીશભાઈ છગનભાઇ મુંગરા સત્યમ કોલોની રોડ સ્થિત સરસ્વતી સોસાયટીના રહેવાસી હતા. તેઓ ઉત્સવ બ્રાસ અને ઝલક મેટલના બ્રાસ પાર્ટના વેપારી તરીકે કાર્યરત હતા.
અકસ્માત એરફોર્સ ગેટ પાસે સિક્કાવાળા સર્કલ નજીક સર્જાયો હતો. હરીશભાઇ પોતાના દ્વિચક્રી વાહન પર જઈ રહ્યા હતા ત્યારે રોડ ક્રોસ કરતી વખતે તેમનું વાહન સ્લિપ થયું હતું.
તેઓ ડિવાઈડર પાસે પડી ગયા હતા. અકસ્માતમાં તેમના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને નાક-કાનમાંથી લોહી નીકળ્યું હતું. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ભાઈ રાજેશભાઇ છગનભાઇ મૂંગરાએ પોલીસમાં જાહેરાત કરી છે. સિટી સી પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માતે મોતનો કેસ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.