પાવીજેતપુર તાલુકાના સાઢલી ગામના તૂટી ગયેલા કોઝવેને કારણે ગ્રામજનો ત્રાહિમામ
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સાઢલી ગામમાં ગમાણ ફળીયાને જોડતો કોઝવે વર્ષોથી તૂટી ગયેલા હાલતમાં હોવાથી ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વરસાદી ઋતુમાં તો સ્થિતિ વધુ વિકટ બની જાય છે, જ્યારે લોકો અને બાળકોને ધસમસતા પાણીમાંથી જીવનું જોખમ લઈને પસાર થવું પડે છે.
પાવીજેતપુર તાલુકાના સાઢલી ગામના મધ્યમાંથી પસાર થતી કોતર ગામને બે ભાગે વિભાજિત કરે છે. વર્ષો પહેલા અહીં કોઝવે નિર્માણ કરવામાં આવ્યુ હતુ, પણ માત્ર દોઢેક વર્ષમાં જ તે તૂટી ગયું હતું. ત્યારથી આજદિન સુધી ગમાણ ફળીયાના લોકો માત્ર તૂટેલા કોઝવેના દુખદાયક પરિણામો ભોગવી રહ્યા છે.
ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદના કારણે કોતરના પાણીને પાર કરવુ ખૂબ મુશ્કેલ કામ બની રહે છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ, દવાઓ જેવી જરૂરિયાતો માટે પણ લોકોને જીવનના જોખમે આવનજાવન કરવું પડે છે. શાળાએ જતાં વિદ્યાર્થીઓ પણ દરરોજ સવારે અને સાંજે જોખમ ખેડી પાણીમાંથી પસાર થવા મજબૂર છે. જેના કારણે વાલીઓ પણ બાળકોના ભવિષ્ય અને સુરક્ષા અંગે ચિંતિત છે. સ્થાનિક લોકોએ તંત્રને અનેક વખત અરજી કરી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલું લેવાયું નથી.
હવે ગ્રામજનો દ્વારા તાત્કાલિક નવા કોઝવેના નિર્માણની માંગ ઉઠવામાં આવી છે. લોકોએ તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંદેશ આપ્યો છે કે ચોમાસુ જાય કે તરત જ કામગીરી હાથ ધરી ગામના લોકોને આ પડકારભરેલી સ્થિતિમાંથી મુક્ત કરાવે અને બાળકોને નિર્ભય શૈક્ષણિક જીવન મળે તે માટે પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.