ભીખાપુરા ગ્રામ પંચાયત આગળના જાહેર માર્ગ ઉપર પડેલા ગાબડાંઓ રાહદારીઓ માટે જોખમરૂપ : સ્થાનિકોમાં અકળામણ, તાત્કાલિક મરામતની માંગ ઉઠી

       પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા નવીન ગ્રામ પંચાયતના આગળથી પસાર થતા મુખ્ય જાહેર માર્ગ પર પડેલા મોટા ગાબડાંઓથી અકસ્માતો ભય જનતાને સતાવી રહ્યો છે. 

          પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ગામે નવીન ગ્રામ પંચાયત આગળથી દાહોદ રોડ પસાર થતો હોય જે રસ્તા ઉપર ગાબડા પડી જવા પામ્યા છે. જેના કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટે તો નવાઈ નથી. 

માર્ગની દુર્દશા તથા તંત્રની બેદરકારીને કારણે વાહનચાલકો અને પેદલ ચાલતા રાહદારીઓ રોજિંદા ખતરાની છાયામાંથી પસાર થવા મજબૂર બન્યા છે.

આ રસ્તો વરસાદ પછી વધુ ખરાબ હાલતમાં પહોંચી ગયો છે. માર્ગ પર પાણી ભરાતા ગાબડાં દેખાતા નથી અને અકસ્માતની સંભાવના સતત રહે છે. સ્કૂટી, બાઇક અને વાહનચાલકો માટે આ માર્ગ જીવનું જોખમ બની રહ્યો છે. ભીખાપુરા વેપાર ધંધાનું મોટું સ્થળ હોય તેમજ આ ગામમાં કેટલીક શાળાઓ આવેલી હોય તેથી આજુબાજુના લોકો તેમજ શાળાએ જતા બાળકો પણ આ રસ્તા ઉપરથી મોટી સંખ્યામાં પસાર થાય છે. 

      આ અંગે સ્થાનિક રહેવાસીઓ તેમજ આગેવાનો દ્વારા તાત્કાલિક માર્ગ મરામત કરવા માટે સંબંધિત અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં આજદિન સુધી કોઈ ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

       હાલ વરસાદ ભર્યા મોસમમાં માર્ગની હાલત વધુ ભયજનક બની છે. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે માર્ગ મરામત કરીને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા તંત્રને ગુહાર લગાવી છે.